(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
શાકભાજીના ધંધા માટે જીવીએમડી નામની કંપની બનાવી સભ્યો બનાવી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી ઉઠમણું કરી જનાર કંપનીના સંચાલકો સામે સરથાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ થવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી હિરેન રાજુ મેવાડા, અલ્પેશ ઈશ્વર દેસાઈ, અશોક બાબુ ભંડેરી મગન નાનુ ભંડેરી, રાજુ રવજી દેસાઈ, હિરેન, બીપિન, કિરીટવાળા, બાલા દરબાર, વિપુલ ઉર્ફે જાડીયો વિગેરેએ શાકભાજીનો ધંધો કરવા માટે જીવીએમડી કંપની બનાવી હતી અને લોકોને સભ્યો બનાવી ડિપોઝીટ પેટે રૂપિયા ૧,૬૮,૫૩,૭૫૦ તથા સિલ્વર કાર્ડ પેટે રૂ. ૯,૩૬,૦૦૦ અન્ય ખર્ચ પેટે રૂ. ૭,૬૭,૧૫૩ મળી કુલ્લે રૂ. ૧,૮૫,૫૭,૫૦૩ જેટલી રકમ ઉઘરાવી કંપની બંધ કરી દીધી હતી. તેમજ રૂપિયા પરત આપવા માટે અવાર નવાર મીટિંગો બોલાવી ખોટા વાયદાઓ કર્યા હતા. રૂપિયાની માગણી કરનાર સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ ચીટર કંપની સામે મિતેશભાઈ પંકજભાઈ ગાંધી (રહે. વૈષ્ણુદેવી સ્કાય, સુભાષ ગાર્ડન પાછળ, જહાંગીરપુરા)એ સરથાણા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.