(એજન્સી) તા.૧૩
નવરાત્રિના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે શાકભાજીના વધતાં જતાં ભાવ સામાન્ય માનવી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યાં છે. બટાકા, ટામેટા અને ડુંગળી સહિત તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયાં છે અને નજીકના ભવિષ્યમાં તેમાંથી કોઇ રાહત મળે એવી કોઇ શક્યતા જણાતી નથી. શાકભાજીના વિક્રેતાઓનું કહેવું છે કે આ ચોમાસાની સિઝનના અંતિમ તબક્કામાં ભારે વરસાદ પડતાં શાકભાજીના પાકને અસર પહોંચતાં બજારમાં શાકભાજીનો પુરવઠો ઓછો આવી રહ્યો છે. નવી દિલ્હીની આઝાદપુર મંડીમાં બટાકાના જથ્થાબંધ ભાવ છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો રૂા.૧૬ હતાં તે વધીને પ્રતિ કિલો રૂા.૫૧ને આંબી ગયા છે. ડુંગળીના જથ્થાબંધ ભાવમાં આંશિક ઘટાડો થયો છે પરંતુ તેના છૂટક ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ડુંગળીના જથ્થાબંધ ભાવ રૂા. ૧૨.૫થી રૂા.૩૫ વચ્ચે ચાલે છે જ્યારે ડુંગળીના છૂટક ભાવ પ્રતિ કિલો રૂા.૪૫થી રૂા.૬૦ સુધી ચાલે છે. ટામેટાના ભાવમાં થોડા દિવસ પૂર્વે આંશિક ઘટાડો થયો હતો પરંતુ ફરીથી તેમાં ઉછાળો આવ્યો છે. ટામેટાના જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો રૂા.૬થી ૪૨ છે જ્યારે છૂટક ભાવ રૂા.૬૦થી ૭૦ વચ્ચે ચાલે છે. ગ્રેટર નોઇડાના શાકભાજી વિક્રેતા બલવીરે જણાવ્યું હતું કે જથ્થાબંધ બજારમાં શાકભાજીનો પુરવઠો ઘણો ઓછો છે અને ભાવ ઘણા વધું છે. ચેમ્બર્સ ઓફ આઝાદપુર ફ્રૂટ્‌સ એન્ડ વેજીટેબલ્સ એસોસિએશનના પ્રમુખ એમ આર કૃપલાણીએ જણાવ્યું છે કે માંગ કરતાં સપ્લાય ઓછો હોવાથી ફળો અને શાકભાજીના ભાવ ઊંચા છે. વેપારીઓનું કહેવું છે કે નવરાત્રિ દરમિયાન ઉ.ભારતમાં મોટા ભાગના લોકો માંસાહારી ખાદ્ય ચીજવસ્તુઓ ખાતા નથી તેથી શાકભાજી માટેની ડિમાન્ડમાં ઉછાળો આવે છે. પરંતુ મંડીમાં શાકભાજીની આવકમાં જલ્દી સુધારો થવાની આશા નથી અને તેથી શાકભાજીના ભાવ ઘટવાની પણ કોઇ શક્યતા જણાતી નથી.