(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૮
શામળાજી પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ટ્રકને રોકી તપાસતા ડ્રાયવર કેબિન બાજુ આવેલી ડીઝલ ટેન્ક થી ટ્રકબોડીના તળિયાના ભાગે એક ખાનું બનાવેલ હતું. તેમાંથી મર્યાદિત એટલે કે ૧૫૦થી ૨૦૦ પેટી દારૂ ભરી શકાય એટલી જગ્યાવાળા ખાનામાં વિદેશી દારૂ ઝડપાયો. આ જડપાયેલ દારૂની ગણતરી ચાલુ હતી તે દરમિયાન વધુ એક ટ્રક પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી તેની પણ તપાસ હાથ ધરતા જુવારની બોરીઓની આડમાં છૂપાવી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા પોલીસને મળી હતી. આમ બંને ટ્રકમાંથી કુલ ૧૭ લાખની કિંમતનો વિદેશી દારૂ સાથે ૨ બુટલેગરોની શામળાજી પોલીસે અટકાયત કરી હતી એ દરમિયાન વધુ ૧ ટ્રક રતનપુર બોર્ડર પર તપાસ દરમિયાન ઝડપાઇ આ ટ્રકમાં પણ અનાજની બોરીઓની આડમાં દારૂ ગુજરાતમાં ગુસાડવાનો બુટલેગરો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતા. આ સાથે વધુ ૩ દારૂની ખેપ મારતા ખેપિયાઓને શામળાજી પોલીસે ઝડપી પાડયા છે. ટ્રકમાં પણ ૨૫૦થી વધુ વિદેશી દારૂ હોવાની શક્યતા છે આમ દિવસ દરમિયાન શામળાજી પોલીસને અંદાજીત ૪૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી બુટલેગરોની તરકીબોને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.