(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૮
અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપેલ રૂા.૮.૫૪ કરોડના વિદેશી દારૂના જથ્થા પર સોમવારના રોજ બુલડોઝર ફેરવી દેવાતાં પકડાયેલ દારૂ સાચવવાની ઝંઝટમાંથી રાહત મળી હતી. ચેક પોસ્ટ નજીકના ખુલ્લા મેદાનમાં પાથરવામાં આવેલા ૩ લાખથી વધુ બોટલો પર જયાારે બુલડોઝર ફેરવાયું ત્યારે દારૂની ઉડેલી છોળોથી જાણે વિદેશી દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા. શામળાજી પોલીસે છેલ્લા ૩ વર્ષમાં ઝડપેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે તંત્રમાં મંજૂરી માંગી હતી પરંતુ કોરોનાના લૉકડાઉનના કારણે આ કામગીરી શક્ય બની નહોતી ત્યારે તંત્રની મંજૂરી મળતા લૉકડાઉન ખૂલતા જ ૮ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવી કામગીરીનું મહૂર્ત કર્યુ હતું.
શામળાજી પોલીસે વર્ષ-૨૦૧૭થી ૨૦૨૦ સુધી પ્રોહિબિશનના ૨૮૪ ગુનામાં જપ્ત કરેલ બોટલ-બિયર ટીન કુલ નંગ-૩, ૨૧, ૧૫૩ કીં રૂા.૮,૫૪,૫૫,૯૫૫/-નો જથ્થો નાશ કરવા જિલ્લા પોલીસતંત્રએ મંજૂરી માંગતા પોલીસ સ્ટેશનમાં ઉભરાઈ રહેલા આ દારૂના જથ્થાને નાશ કરવાની લીલીઝંડી મળતાં જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓમાં હાશકારો ફેલાયો હતો સોમવારના રોજ રતનપુર ચેક પોસ્ટ નજીક આવેલા સેલટેક્ષની ચેકપોસ્ટ સામેના ખુલ્લા મેદાનમાં વહીવટી તંત્ર અને પોલીસતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરાયો હતો.