(એજન્સી) ન્યુયોર્ક, તા.૬
અમેરિકામાં વિવિધ ક્ષેત્રે શારીરિક શોષણનો ભોગ બનનાર મહિલાઓ પૈકી આ દૂષણ સામે મૌન તોડનાર સાહસિક મહિલાઓને ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા હતા. અમેરિકામાં વિવિધ ક્ષેત્રે શક્તિશાળી પુરૂષો દ્વારા શારીરિક શોષણ અને છેડતીનો શિકાર બનનાર મોટાભાગના લોકોએ સામે આવી પોતાની સાથે થયેલા કુકર્મને જાહેર કરી તેના કસૂરવારોને ખુલ્લા પાડતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. ભોગ બનનાર લોકોમાં સૌથી વધુ સંખ્યા મહિલાઓની હતી. આ મામલે સૌ પ્રથમ વખત હોલિવૂડના ટોચના નિર્માતાનો શિકાર બનેલી મહિલાએ મૌન તોડતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. આ મુદ્દાની હિન્દી સિનેમા જગતમાં પણ ઘણી ચર્ચા થઈ હતી પણ અમેરિકાની જેમ અને હોલિવૂડની જેમ બોલિવૂડમાં કોઈએ સામે આવવાની હિંમત બતાવી ન હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં પોતાના ચીનના સમકક્ષ જીનપિંગથી આગળ હતા અને ‘રનર-અપ’ રહ્યા હતા.