(એજન્સી) તા.૨૩
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડાની સ્કૂલમાં તાજેતરમાં થયેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનો અને પીડિતોને મળ્યા હતા અને બંદૂક દ્વારા થતી હિંસા રોકવા માટે સ્કૂલોના શિક્ષકોને બંદૂકો આપવાની હિમાયત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે શાળામાં આ પ્રકારની ઘટનાઓને બનતી અટકાવવા સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓને બંદૂક આપવાની બાબતમાં સમર્થન વ્યક્ત કર્યુ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે શિક્ષકોને બંદૂક ચલાવવાની તાલીમ આપવી જોઇએ અને તેમણે જ બંદૂક રાખવી જોઇએ. સાથે સાથે તેમણે બંદૂક રાખનારા લોકોના બેકગ્રાઉન્ડની કડક તપાસ કરવા પણ જણાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે શસ્ત્રસજ્જ શિક્ષક હુમલાને રોકી શકે છે. ફ્લોરીડા ફાયરીંગની ઘટનામાં બચી ગયેલા લોકો, વાલીઓ તથા મૃતકોના પરિવારજનો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે એ બધું શીખવા માગીએ છીએ જે અમે બધું શીખી શકીએ છીએ. આ લાંબા સમયથી ચાલી આવતી વ્યવસ્થા છે અને આપણે તેનો ઉકેલ લાવવો પડશે. આપણે બધા સાથે મળીને તેનો ઉકેલ લાવવો સારુ રહેશે. અહેવાલો અનુસાર ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં લિસનીંગ સેશન દરમિયાન આ વાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનોએ ગન હિંસા સામે સખત કાર્યર્વાહી કરવાની માગણી કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો તમારા શિક્ષક પાસે બંદૂક હોય તો આ પ્રકારના હુમલાનો જલ્દી અંત આવી શકશે. તેમણે જણાવ્યું હતું કે જે શિક્ષકો ગન ચલાવવામાં નિપૂણ હોય તેમણે હવે બંદૂક રાખવી પડશે. આ દરમિયાન ટ્રમ્પે ગન ફ્રી ઝોનની પણ ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગનફ્રી ઝોન એ એક પ્રકારનું ગાંડપણ છે કારણ કે આ બધા કાયર છે. ગન ફ્રી ઝોન શું છે ? તેઓ અંદર જઇને હુમલા કરશે. ટ્રમ્પે સૂચવ્યું હતું કે શાળાના ૨૦ ટકા શિક્ષકોને ગન ચલાવવાની તાલીમ આપવી જોઇએ. આ કાર્યક્રમમાં ગોળીબારની ઘટના બાદ રચવામાં આવેલ એડવોકેસી ગ્રુપના પ્રતિનિધિઓ પણ હાજર હતા. ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને શિક્ષણ પ્રધાન બેટ્‌સી ડિવોસ પણ ટ્રમ્પનું સંબોધન સાંભળવા હાજર હતા. ટ્રમ્પે કહ્યું હતું કે તમે અસાધારણ વેદના અને યાતનાનો સામનો કર્યો છે અને હવે અમે એવું નથી ઇચ્છતા કે કોઇને પણ યાતનામાંથી પસાર થવું પડે.