(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
શાળાઓમાં ફી વધારા અને કોરોના વાયરસ સંક્રમણને વધતું અટકાવવા માટેના જરૂરી પગલાંની માગણી સાથે થયેલી અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ તેમજ ફીની ચિંતા સાથે હાઇકોર્ટમાં થઈ પિટિશન.
કોરોના વાયરસ મહામારી નો અંત ન આવે, ત્યાં સુધી શાળાઓ ફી ચૂકવવા માટે દબાણ ન કરે એ પ્રકારની અરજીમાં રજૂઆત કરાઇ છે. નવા શૈક્ષણિક વર્ષમાં શાળાઓ ફી ના વધારે તે પ્રકારના નિર્દેશો જારી કરવાની માંગ થઈ છે. માત્ર ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ મથાળા હેઠળ ફી વધારવામાં ન આવે તેવી રજૂઆત કરાઇ. ખાનગી શાળાઓએ અગાઉ એડવાન્સમાં લીધેલી ફી વાલીઓને પરત કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. શાળાઓ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનો પગાર ન રોકે તેમજ પગારમાં ઘટાડો ન કરે તે માટેના નિર્દેશો જારી કરવામાં આવે તેવી પણ કરાઈ છે માગણી.
લોકડાઉન બાદ જ્યારે પણ શાળાઓ શરૂ થાય ત્યારથી છ મહિના સુધી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ શાળાઓમાં માસ્ક અને સેનેટાઈઝર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટેના નિર્દેશો જારી કરવામાં આવે તેવી પણ માગણી કરાઈ છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.