અમદાવાદ, તા.ર૩
રાજ્યમાં કોરોના મહામારીના કપરા સમયમાં છેક લોકડાઉનના સમયથી શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે હવે ફરી શાળાઓ ક્યારે ખુલશે ? તે મુદ્દો ઘણો ચર્ચામાં છે શાળાઓ હાલ ખોલવી કે પછી તે અંગે વાલીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે સતત ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે આ અંગે ચિંતન શિબિર યોજાઈ હતી.
આ ચિંતન શિબિરમાં હાજર તજજ્ઞો અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓએ કોરોના સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી પ્રાથમિક શાળા શરૂ કરવી જોખમી હોવાનું અને દિવાળી પછી પ્રથમ તબક્કામાં તકેદારી સાથે ધોરણ ૧૦ અને ૧રના વર્ગો શરૂ કરવાનું સ્પષ્ટ સૂચન કર્યું હતું. આ સાથે શિબિરમાં નક્કી કરવામાં આવ્યું કે, જ્યારે શાળાઓ ખુલે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે અંતર રાખવામાં આવે તેમ જ કોરોના નિયમોનું કડકમાં કડક પાલન કરવામાં આવે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યમાં દિવાળી પછી સ્કૂલો ખોલવાના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી એક મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સ્કૂલ ખોલવાને લઈને કયા માપદંડ અપનાવવા છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગમાં કઈ રીતે સ્કૂલ ખોલવામાં આવે અને શું સાધવાની વર્તવી જોઈએ તેને લઈને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. જેને શિક્ષણમંત્રીને મોકલવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં આયોજિત મીટિંગમાં સામાન્ય સહમતિ બની કે ધોરણ ૧૦ અને ૧રના ક્લાસીસ ખોલવા જોઈએ. તેમના ક્લાસનો સમય ર કલાકનો હોવો જોઈએ. જો કોઈ સ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧ર માટે એક જ બિલ્ડિંગ છે તો તેને ૧ કલાકનું અંતર રાખવું અનિવાર્ય છે. જિલ્લા શિક્ષણ અધિકારીના અનુસાર વાલીઓની સલાહ છે કે, ધોરણ ૧૦ અને ૧રની સ્કૂલો ખોલવી યોગ્ય રહેશે. પ્રાથમિકના બાળકોને બોલાવવા યોગ્ય રહેશે નહીં. એટલા માટે ધોરણ ૧૦ અને ૧રની સ્કૂલો ખોલવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અન્ય ધોરણના વાલીઓ સાથે તેમની સલાહ માંગવામાં આવશે.