વેક્સિનના સફળ પરીક્ષણ બાદ જ શાળાઓ ખોલવા ભાજપ પ્રદેશ પ્રમુખને વાલીમંડળના પ્રતિનિધિઓએ કરી રજૂઆત

અમદાવાદ, તા.૬
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે સરકારે ૧૧મી જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં ધો.૧૦-૧ર અને પીજી-યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ માસ પ્રમોશન નહીં આપવામાં એમ પણ શિક્ષણમંત્રીએ જણાવ્યું છે ત્યારે હવે આ બાબતે વાલીમંડળ મેદાને આવ્યું છે. વાલીમંડળનું કહેવું છે કે, ફેબ્રુઆરી સુધીમાં શાળાઓ શરૂ ન થવી જોઈએ. આ એક વર્ષ જીવવાનું છે ભણવાનું તો આખી જિંદગી રહેશે. આ અંગે વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હજુ પણ કોવિડ ચાલી જ રહ્યું છે. તેના માટે સરકારે અનેક પગલાં ઊઠાવ્યા છે. મને લાગે છે કે, ફેબ્રુઆરી સુધી શાળાઓ ખોલવાના કોઈ અણસાર દેખાતા નથી. હજુ બાળકોને શાળાએ મોકલવા હિતાવહ નથી. મારી શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી છે કે, આ વર્ષ આપણે જીવવા માટેનું છે ભણવાનું આખી જિંદગી રહેશે. જ્યારે વાલીમંડળના પ્રતિનિધિઓએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને વેક્સિનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલો ખોલવા રજૂઆત કરી છે. પરીક્ષા બાબતે વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, ધો.૯થી ૧ર ધોરણની જ પરીક્ષા લેવામાં આવે. ધોરણ ૧થી ૮મા બાળકોને માસ પ્રમોશન આપવામાં આવે. કારણ કે, કેન્દ્ર સરકારની એચઆરડીના મિનિસ્ટ્રી અનુસાર ભારતના ર૦૦૯ આટીઈના કાયદા અનુસાર કોઈપણ બાળકને નાપાસ કરવામાં આવતો નથી. અમે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ પત્ર લખ્યો છે. ધો.૯થી ૧ર ધોરણમાં સરકારને જે કરવું હોય તે કરે આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાવી જોઈએ તેવું અમે પણ માનીએ છીએ. પણ માત્ર ફી માટે જ શાળાઓને સરકાર સપોર્ટ કરતી હોય ત્યાં અમારા વાલીમંડળનો વિરોધ છે. અત્યારે ઓનલાઈન માટે બાળકોને દબાણ કરીને જે રીતે ફી લેવામાં આવી છે. તેમાં અમારો વિરોધ છે. હજુ પણ હું સરકારને કહું છું કે, તમે ધો.૧થી ૮ના બાળકોને માસ પ્રમોશન આપી દો. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકારે નવેમ્બર મહિનામાં શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય મોકૂફ કરવામાં આવ્યો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં ફરીથી રાજ્ય સરકારે શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.