(સંવાદદાતા દ્વારા)
માંગરોળ,તા.૬
નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને આજે એક માસ કરતાં વધુ સમય વીતી ગયો છે. છતાં હજુ સુધી માંગરોળ તાલુકામાં કાર્યરત ૧૩૦ જેટલી સુરત જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ-૩ અને ધોરણ-૪ના વિદ્યાર્થીઓને એક પણ પુસ્તક મળ્યું નથી.
આજે શૈક્ષણિક કાર્ય શરૂ થયાને એક માસનો સમયગાળો વીતી ગયો હોય અને પુસ્તકો આવ્યા ન હોય જેને લીધે ધોરણ-૩ અને ધોરણ-૪મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. થોડા દિવસોમાં પ્રથમ કસોટીની જાહેરાત થશે સાથે જ ચાલુ વર્ષે નવરાત્રીનું નવ દિવસનું વધારાનું વેકેશન પણ પડનાર છે. ત્યારબાદ દિવાળી વેકેશન પડશે આમ રજાઓ વધુ આવી રહી છે. ત્યારે બીજી તરફ ધોરણ-૩ અને ધોરણ-૪ વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળતાં વાલીઓ પણ ચિંતાતુર બન્યા છે.
એક અઠવાડિયામાં આ પુસ્તકો આવી જશે પ્રાથમિક જિલ્લાશિક્ષણાધિકારી જે.એમ.ખરાડી
આ પ્રશ્ને સુરતમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી જે.એમ.ખરાડીનો સંપર્ક કરી પૂછતાં એમણે જણાવ્યું કે પ્રજ્ઞાનો અભ્યાસક્રમ બંધ કરાતા આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને જેટલા સેટો ઘટતા છે એ માટેની માગણી મોકલી આપવામાં આવી છે અને સંભવત એક અઠવાડિયામાં આ પુસ્તકો આવી જશે.