કાશ્મીરના યુવાઓ વચ્ચે રોલ મોડલ બની રહેનારા ‘રાફેલ મેન’ હિલાલ અહમદે ૨૦૧૬ની ઉરી સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ ભાગ લીધો હતો, એરફોર્સના ટોચના અધિકારીઓ વચ્ચે હિલાલ ‘હલી’ના હુલામણા નામ તરીકે જાણીતા છે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
ફ્રાન્સમાં ડિફેન્સ એર એટેચ એર કમોડોર હિલાલ અહમદ રાથર કાશ્મીરના ‘રાફેલ મેન’ તરીકે ઓળખાય છે અને તેમને મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાઓ વચ્ચે એક રોલ મોડલ તરીકે જોવામાં આવે છે. રાથર ફાઇટર જેટ વિમાનો સાથે પોતાના બહોળા અનુભવને કારણે ૨૦૧૬ની ઉરી સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ સામેલ હતા. કમોડોર રાથરને ઓળખનારા અધિકારી અને એરફોર્સમાં તેમને ‘હલી’ નામે ઓળખવામાં આવે છે. તેમણે મિરાજ વિમાન પર ચાર વખત બે વર્ષ કાર્યકાળ વિતાવ્યો છે. તેમણે મિરાજ-૨૦૦૦, મિગ-૨૧ અને કિરણ વિમાન જેવા જેટ ફાઇટર એરક્રાફ્ટ પર ૩,૦૦૦ કલાકથી વધુ દુર્ઘટના-મુક્ત ઉડાનનો રેકોર્ડ સર્જ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં રહેતા હિલાલ અહમદ રાથરની ગણતરી દેશના સર્વશ્રેષ્ઠ પાયલટોમાં થાય છે. હિલાલ એરફોર્સમાં ૧૭ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ એક લડાકુ પાયલટના રૂપમાં સામેલ થયા હતા. તેઓ ૧૯૯૩માં પાયલટ લેફ્ટિનેન્ટ બની ગયા. ૨૦૦૪માં વિંગ કમાન્ડર, ૨૦૧૬માં ગ્રૂપ કેપ્ટન અને ૨૦૦૯માં એર કોમોડોર બની ગયા.
એરફોર્સના સૂત્રો અનુસાર રાઠેર એક યોગ્ય વિમાન પ્રશિક્ષક છે અને તેઓ ૨૦૧૩ તથા ૨૦૧૬થી ઇન્ડિયન એરફોર્સના સક્રિય પશ્ચિમી કમાન્ડમાં લડાકુ અભિયાનોના નિર્દેશક હોવાની સાથે તમામ લડાકુ વિમાનો તૈયાર થવા તથા પ્રશિક્ષણમાં પણ સીધી રીતે સામેલ રહ્યા છે. આ ઉપરાંત ક્ષેત્રમાં સંચાલન યોજનાઓમાં પણ તેમનું ખાસું યોગદાન રહ્યું છે. અધિકારી અનુસાર તેમણે સંવેદનશીલ ગ્વાલિયર મિરાજ એરબેઝનું કમાન્ડ સંભાળ્યું છે જે એરફોર્સ દ્વારા તમામ સર્જિકલ હવાઇ હુમલાનું એક ટોચનું કેન્દ્ર છે. હિલાલ અહમદને આકરા ટાસ્ક માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે ખાતરી કરી છે કે, રાફેલ પ્રોજેક્ટ સમયસર તમામ આવશ્યક હથિયારો સાથે અન્ય કરારના માપદંડોને પૂરા કરે. રાઠેર જમ્મુની સૈનિક સ્કૂલ નગરેટાના એક તેજસ્વી ટોપર રહ્યા છે અને તેઓ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ શહેરના રહેવાસી છે. સૈનિક સ્કૂલમાં સીબીએસઇ પરીક્ષામાં ટોપરથી લઇને હૈદરાબાદમાં એરફોર્સ એકેડેમીમાં સ્કવોર્ડ ઓફ ઓનર મેળવવા સુધી તેમણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. સર્વશ્રેષ્ઠ પાયલટ તરીકે રાઠેરે પોતાની સમગ્ર પ્રોફેશનલ કારકિર્દીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે અમેરિકામાં ટોચની એર વોર કોલેજનો પણ અનુભવ મેળવ્યો છે. એક કમોડોર રાથરને વેલિંગ્ટનની પ્રતિષ્ઠિત ડિફેન્સ સર્વિસીઝ સ્ટાફ કોલજ(ડીએસએસસી)માં પણ તાલીમ અપાઇ છે. જ્યાં ભારતીય સશસ્ત્ર દળો(સેના, નૌકાદળ અને એરફોર્સ)ની ત્રણેય સેનાના અધિકારીઓ ઉપરાંત વિદેશી સેનાઓના જવાનો પણ હોય છે. બાદમાં તેમને ડીએસએસસી વેલિંગ્ટનમાં એક પ્રશિક્ષક તરીકે તક મળી હતી. તેઓ કામના મોરચે પોતાના ચોક્કસ પરિણામ અને દૃષ્ટિકોણ માટે ઓળખાય છે. આ સાથે જ તેમને હાલમાં માત્ર ચાર ભારતીય સુરક્ષા એટેચમાંથી એક હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે. ભારત પાસે પોતાના ચાર મિશન અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયામાં જ એર ડિફેન્સ એટેચ છે. તેમના શાળાના મિત્રોએ કહ્યું કે, રાથર હંમેશા શાળાના દિવસોથી જ સૂર્ય, ચંદ્ર અને આકાશ પર મોહિત રહેતા હતા. રાથરના પિતા પણ લદ્દાખ સ્કાઉટમાં એક સૈનિક અને પોલીસમાં પણ સેવારત રહ્યા છે. રાથર હંમેશા પોતાના પિતાને જ રોલ મોડલ માને છે.