(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
કેન્દ્ર સરકારે બહુમતિના જોરે સીએએ અને એનઆરસી જેવો કાળો કાયદો મંજૂર કરી નાખ્યો અને રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મહોર મારી દીધી છે. ત્યારે આ કાયદાને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. તેવો દેખાડો કરવા ગુજરાતમાં ખાનગી શાળાઓના હુમલા વિદ્યાર્થીઓ પાસેથી આ કાયદાને સમર્થન આપતા વડાપ્રધાનને સંબોધીને પત્રો લખાવતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. વાલીઓએ આનો ઉગ્ર વિરોધ નોંધાવી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. દેશભરમાં સીએએ અને એનઆરસીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ કાયદાને દેશવાસીઓનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને લોકો આ કાયદો મંજૂર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તેવો દેખાડો કરવા ભાજપ શાસિત રાજ્યોને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ જ માનસિકતાના ભાગરૂપે અમદાવાદની સરકારી અને ખાનગી શાળાઓને લાખોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખવા દબાણ કરાઈ રહ્યું છે. આ અંગેની જાણ વાલીઓને થતા કેટલીક શાળાઓમાં જઈ ઉહાપોહ પણ કર્યો હતો. વાલીઓનું જણાવવું છે કે સીએએ કે એનઆરસી ખબર નથી તેવા કુમળી વયના બાળકો પાસે સમર્થન પત્ર લખાવવા હલકી માનસિકતાનો પુરાવો છે. ભાજપ દ્વારા વડાપ્રધાનને અભિનંદન પાઠવતા ર૦થી રપ મુદ્દાઓ તૈયાર કરાયા છે તે લખાણ શાળાઓને મોકલવામાં આવે છે તેમાંથી કોઈપણ એક મુદ્દો પોસ્ટકાર્ડ પર લખી બાળકોને તેમાં સહી કરવાનું કહેવાય છે. વાલીઓનું જણાવવું છે કે જો ખરેખર સમર્થન મેળવવું હોય તો કોલેજના વિદ્યાર્થીઓને કે વાલીઓને પત્રો મોકલવા જોઈએ પરંતુ ભાજપને ખબર છે કે આ રીતે સમર્થન નહીં મળે એટલે પાછલો રસ્તો કાઢ્યો છે.

અમદાવાદની લિટલ સ્ટાર સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવતા પોસ્ટકાર્ડ પરત કરાયા

અમદાવાદના જૂના ઢોરબજાર પાસે આવેલી લિટલ સ્ટાર સ્કૂલમાં વિદ્યાર્થીઓને સીએએના સમર્થનમાં પત્ર લખાવવા અંગેની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતા તેમણે શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો. શાળા દ્વારા પોસ્ટકાર્ડ ન લખનાર વિદ્યાર્થીઓને આંતરિક ગુણ ન આપવાની ગર્ભીત ધમકી અપાઈ હતી. આથી વાલીઓના હોબાળાથી ગભરાયેલા શાળાના ટ્રસ્ટીએ માફી માંગી પોસ્ટકાર્ડ પરત કર્યા હતા અને લુલો બચાવ કર્યો હતો કે કેટલાક શિક્ષકોએ અમને અંધારામાં રાખી આ કામ કર્યું છે જો કે, કોઈ પક્ષના દબાણથી આ પોસ્ટકાર્ડ લખાવ્યા હતા ? તે અંગે ટ્રસ્ટીએ ઈન્કાર કર્યો હતો.

શાળાઓની ધમકી : પત્ર નહીં લખો તો પરીક્ષામાં નાપાસ કરાશે

અમદાવાદની કેટલીક શાળાઓએ બાળકોને પરીક્ષામાં બેસવા ન દેવાની કે પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી પત્રો લખાવ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે ત્યારે આવા વાલીઓ આવી સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ વિચારી રહ્યા છે.

શાળાઓની દિલગીરી : અમને પરાણે લખાવવા ફરજ પડાય છે

સીએએ અને એનઆરસીના સમર્થનમાં પત્રો લખાવ્યા અંગે કાંકરિયા વિસ્તારમાં આવેલી શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે અમારે ન છૂટકે બાળકો પાસે આવા સમર્થન પત્રો લખાવવા પડે છે. અમને ઉપરથી શાળાની માન્યતા રદ કરવાની કે કોઈ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

જો વાલીઓ ફરિયાદ કરવા માગતા હોય તેઓ અલ્પ સંખ્યક અધિકાર મંચનો સંપર્ક કરે

અમદાવાદની અસંખ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે સીએએ અને એનઆરસીના સમર્થનમાં વાલીઓની જાણ બહાર પત્રો લખાવાતા હોવાની ફરિયાદ બાદ અલ્પસંખ્યક અધિકાર મંચના કન્વીનર એડવોકેટ શમશાદ પઠાણે વાલીઓને જણાવ્યું છે કે જે બાળકોના વાલીઓ આ પ્રશ્ને ફરિયાદ કરવા માંગતા હોય તેઓ અલ્પસંખ્યક અધિકાર મંચનો સંપર્ક કરી શકે છે. મંચ દ્વારા તા.૧૦.૧.ર૦ર૦ના રોજ અમદાવાદના ડી.ઈ.ઓ.ને મળીને ફરિયાદ કરવામાં આવશે. તેમજ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરશે. આથી જે બાળકો પાસે સીએએ, એનઆરસી કે એનપીઆરના સમર્થનમાં પોસ્ટકાર્ડ વાલીઓની સહમતિ વિના લખાવ્યા હોય તો તેઓ વહેલી તકે સંપર્ક કરે તેમ જણાવ્યું છે.