નવી દિલ્હી, તા.૨૯
શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે જેની ગણના થતી હતી તેવા રોબિન સિંહે પણ ટિમ ઈન્ડિયાના હેડ કોચના પદ માટે અરજી કરી છે. અરજી કર્યા બાદ રોબિન સિંહે રવિ શાસ્ત્રીનું નામ લીધા વગર તેમના ઉપર નિશાન સાધ્યું હતું.
અરજી કર્યા પછી એક ઈન્ટરવ્યુમાં રોબિન સિંહે હાલના કોચ રવિ શાસ્ત્રી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રોબિન સિંહે કહ્યું હતું કે વર્તમાન કોચના સમયગાળામાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપની બે સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ૨૦૨૩ના વર્લ્ડકપની તૈયારી કરવાનો સમય આવી ગયો છે અને પરિવર્તન થવું જરૂરી છે.
એક કોચની ભૂમિકા વિશે વાત કરતા રોબિન સિંહે કહ્યું કે, ‘એક કોચે પહેલા મેચ માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ, આ ઉપરાંત ખેલાડીઓની પરિસ્થિતીઓમાં પોતાને મુકીને પણ જોવું જોઈએ.તમારે એ યોજનાઓનો પણ ભાગ બનવું જોઈએ જે ખેલાડીઓ વિચારે છે. આવું તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે ટેકનિકલ રીતે મેચને સમજી શકો’ મેચ દરમિયાન રોબિન સિંહ પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપતા હતા આ ઉપરાંત તેઓ એક ઉમદા ફિલ્ડર પણ હતા. એવામાં જો રોબિનને કોચની ભૂમિકા આપવામાં આવે તો તેઓ બેટિંગ સાથે ફિલ્ડિંગની કોચ તરીકેનો રોલ પણ નિભાવી શકે છે.