અમદાવાદ, તા.૯
કોરોનાની મહામારીને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં લોકડાઉનના પાલન મામલે શુક્રવારે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ તો જાણે પોલીસ બેફામ બનતા નિર્દોષ લોકો ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ પર પથ્થરમારા કરનારા સામે કડક પગલાં ભરાવા જ જોઈએ કેમ કે, જીવના જોખમે પોલીસ પ્રજાની રક્ષા કરવા માટે જ ફરજ નિભાવી રહી છે. પરંતુ એનો મતલબ એ નથી કે ગુનેગારો ના પકડાય તો પોલીસ નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ બનાવે. શાહપુરમાં શુક્રવારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે અમુક મહિલા બહાર નીકળી હતી ત્યારે પોલીસે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરીને માર મારતા મામલો બિચક્યો હતો. જો કે હાલ અમદાવાદમાં કોરોનાના વધતા કેસોને કાબુમાં લેવા સરકારે દૂધ અને દવા સિવાયની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમો રમઝાન માસમાં રોઝાની સાથે સાથે ઈબાદત કરતા હોય છે તેવામાં જીવન જરૂરી વસ્તુઓ એવી શાકભાજી, ફ્રૂટ અને મટન જેવી વસ્તુઓ પુરી પાડવા માટે તંત્ર દ્વારા ઘરે-ઘરે કે મહોલ્લામાં યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. જો તેવી વ્યવસ્થા કરી નહીં તો જીવનજરૂરી વસ્તુઓ માટે લોકો બહાર ના નીકળે તો શું કરે ? જો કે ભરૂચ સહિત અનેક જગ્યાએ તંત્ર દ્વારા શાકભાજી સહિતની વસ્તુઓ માટે સોશિયલ ડિસ્ટન્સ સહિતની સુંદર કામગીરી કરી છે ત્યારે અમદાવાદમાં પણ આવી જ વ્યવસ્થા ગોઠવીને લોકોને જીવન જરૂરી વસ્તુઓ ઘરે પહોંચાડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ઈફ્તારી કરવા બેસેલા વૃદ્ધ કહેતા રહ્યા કે
પગમાં તકલીફ છે છતાં પોલીસે ડંડા વરસાવ્યા

અમદાવાદ, તા.૯
શાહપુરમાં પોલીસ દમનને લીધે નિર્દોષ નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે. શાહપુરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે શાહપુરના સ્થાનિક જેનુલઆબેદીન શેખે જણાવ્યું હતું કે, પોલીસે ઈફ્તારીના સમયે મારા ઘરે ઈફ્તારી માટે બેસેલા ૬પ વર્ષીય પિતા ગુલામ એહમદ શેખને માર મારીને ઢસડીને લઈ ગઈ હતી. ઈફ્તારીના સામાનને પણ ફેંકી દીધો હતો. મારા પિતા સતત કહેતા રહ્યા કે, તેઓ બંને પગથી ચાલી શકતા નથી છતાં તેમને પગમાં માર માર્યો. મારા પિતાને છોડાવવા વચ્ચે પડેલી મારી માતાને પણ પોલીસે ડંડા માર્યા હતા. ૬પ વર્ષીય મારા પિતા લાકડીના ટેકા વિના ચાલી શકતા નથી ત્યારે તેમને પથ્થરમારાના બનાવમાં પોલીસ પકડીને લઈ જાય માર મારે તે કેટલી હદે અત્યાચાર કહેવાય. જો કે મોડી રાત્રે તો મારા પિતાનું અવસાન થઈ ગયું તેવા મેસેજ આવ્યા હતા. જેના લીધે અમે આખી રાત સૂઈ શક્યા નથી. ઘરમાં કોઈએ પણ ખાધું નથી. ત્યારબાદ પ્રયાસ કરતા ખબર પડી તેમને બંને પગમાં વાગ્યું છે. જો કે નિર્દોષોને પકડવા મામલે સ્થાનિક આગેવાનો પણ કોઈ જ કામગીરી કરતા નથી. જ્યારે પોલીસ પણ કંઈ જ સાંભળતી નથી. એટલે રક્ષક જ ભક્ષક બની જાય તો સામાન્ય પ્રજા જાય તો જાય ક્યાં ? અમારા વિસ્તારમાં બાળકો એટલા ડરી ગયા છે કે ડરના મારે ક્યાંક કોઈ બાળક મરી ના જાય તેવી ચિંતા અમને સતાવે છે. શું પોલીસ દમન કરીને એવું કહેવા માટે છે કે તે હવે અમારી રક્ષા નહીં કરે. શું રક્ષા કરવાને બદલે પોલીસ અમારી સાથે હાથાપાઈ કરશે ? તો અમે સીધાસાદા નાગરિકો ક્યાં જઈશું ? જો કે આરોપી હોય તેને પકડીને પોલીસ કાર્યવાહી કરે તેમાં કાંઈ ખોટું નથી. પરંતુ નિર્દોષોને પકડીને ખોટી રીતે માર મારે તે તદ્દન ખોટું છે. જો કે પોલીસે તો પોળોમાં ઘૂસીને ગાડીઓના કાચ તોડી કાઢ્યા. બાઈકની ટાંકીઓ પણ ડંડા મારીને ગોબા પાડી દીધા. હેડલાઈટ તોડી નાંખી નુકસાન કર્યું છે. આ પોલીસ દમનના લીધે લોકોની રાતની ઊંઘ ઊડી ગઈ છે.

પોલીસે દરવાજો તોડીને ઘરમાં ઘૂસી બાળકને દૂધ પીવડાવતી મહિલાને ડંડો માર્યો

અમદાવાદ, તા.૯
શહેરના શાહપુર વિસ્તારમાં શુક્રવારે લોકડાઉનના પાલનના નામે પોલીસ લોકોને માર મારતા મામલો બિચકતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘર્ષણ બાદ તો જાણે પોલીસને પ્રજા ઉપર અત્યાચાર કરવાનો પરવાનો મળી ગયો હોય તેમ લોકોને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. આ અંગે શાહપુરમાં રહેતા અતિક કાગદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે પોલીસ સાથે ઘર્ષણના બનાવ બાદ આજે શનિવારે પોલીસે પોળોમાં ઘૂસી લોકોને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. મારા ઘરનું ડેલું તોડીને અંદર આવી મારા ઘરનો દરવાજો તોડી નાંખ્યો હતો. મારી માતા સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને તેમને ડંડો માર્યો હતો. જ્યારે મારી પત્ની એક વર્ષના માસુમ બાળકને દૂધ પીવડાવતી હતી તો તેને પણ ડંડો માર્યો તો બાળકને પણ વાગી ગયું હતું. જ્યારે પોલીસે ધાર્મિક પુસ્તક પઢતા મારી માતાને કહ્યું કે, તિજોરીમાં કેમ બધાને સંતાડ્યા છે. ત્યારબાદ ડંડો મારતાં મારી માતાના હાથમાંથી ધાર્મિક પુસ્તક પણ પડી ગયું. આ રીતે પોલીસ શાંત પ્રજાની મિત્ર બનવાને બદલે ખરાબ વર્તન કર્યું હતું. ઉપરાંત મારા ભાઈ અનસ કાગદી નિર્દોષ હોવા છતાં પોલીસે ખોટી રીતે પકડી ગઈ છે. એમ અતિક કાગદીએ વધુમાં જણાવ્યું હતું.