અમદાવાદ, તા.ર
કોરોનાની મહામારીમાં લોકડાઉનના અમલ દરમિયાન અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના બનાવ અંગે આરોપીઓના રેગ્યુલર જામીન અરજીની સિટી સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે ર૭ આરોપીઓના રેગ્યુલર જામીન રદ કર્યા હતા. શાહપુરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના બનાવમાં આરોપીઓના રેગ્યુલર જામીન અરજીમાં આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે, ગુનાની વિગતો ધ્યાનમાં લેવામાં આવે તો પોલીસે જે કલમો આરોપીઓ વિરૂદ્ધ લગાવેલી છે તેવી કોઈ કલમો હેઠળ આરોપીઓ વિરૂદ્ધ ગુનો બનતો નથી. મોટાભાગના આરોપીઓ એકબીજાના સંબંધીઓ છે કે, એક જ ઘરના વ્યક્તિ છે. એફઆઈઆર ધ્યાને લેતાં કુલ ૧૭ આરોપીઓના નામ જણાઈ આવે છે. જ્યારે આરોપી નં.૬ બનાવના સ્થળે ટોળામાં હાજર હોવા છતાં પોલીસે કોઈ અગમ્ય કારણોસર તેની ધરપકડ કરી નથી, ઉલટ આ ગુનો આરોપીઓએ નહીં પરંતુ પોલીસે કર્યો હોય તેવું વધારે છે. આરોપીઓ તરફથી વીડિયો ફૂટેજ ઉપર આધાર રાખવામાં આવ્યો છે તે ધ્યાને લેતાં પોલીસ રિક્ષા અને બાઈકના કાચ તોડતી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે અને તે સંજોગોમાં આ ગુનો આરોપીઓ વિરૂદ્ધ નહીં પરંતુ પોલીસ વિરૂદ્ધ નોંધવો જોઈએ. વિશેષમાં આ ગુનાના કામે જે પોલીસવાળા સર્વેલન્સ સ્કોડના સભ્યો હતા તેવામાંથી એક પોલીસવાળો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલો છે તેથી આરોપીઓની તેવી તકરાર કે પોલીસ દ્વારા પીને આરોપીઓ ઉપર હુમલો કરીને ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે તેને બળ મળે છે જેથી આરોપીઓને જામીન અરજીમાં જણાવેલા ચુકાદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાનમાં લઈ જામીન ઉપર મુક્ત કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટમાં સરકારી વકીલોએ પણ દલીલ કરી હતી. અંતમાં કોર્ટે આરોપીઓના રેગ્યુલર જામીન નામંજૂર એટલે કે રદ કર્યા હતા.