અમદાવાદ, તા.૩
શહેરના શાહપુર ચકલા ખાતે આવેલ અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને પ્રસૃતિ ગૃહનું ખુદનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. ૧૯૫૪માં બંધાયેલી આ ઈમારતની હાલત એટલી જર્જરિત થઈ ગઈ છે કે, તેની કસુવાવડ થાય તે પહેલાં મ્યુનિ. તંત્ર તેને બચાવવાના પ્રયાસો હાથ ધરે તેવી જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે. આ અર્બન હેલ્થ સેન્ટર અને પ્રસૃતિ ગૃહ, દલિતો, દેવીપૂજકો, મુસ્લિમો સહિત ગરીબ વર્ગના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ અહી દાખલ થનાર મહિલાઓને કોઈ સુવિધા મળતી નથી. હોસ્પિટલમાં નવજાત શીશુઓ માટે ઓક્સિજન કે કાચની પેટીની સુવિધા નથી. મહિલાઓ માટે સોનોગ્રાફી કે લેબોરેટરીની સુવિધા નથી. આ ઉપરાંત દવાખાનાની હાલત પણ દયનિય છે. હોસ્પિટલના બારી-દરવાજા તૂટેલા છે. સિલિંગો એટલી જર્જરિત થઈ ગઈ છે કે, તેના સળિયા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં વોચમેન પણ ન હોવાથી કૂતરાઓ ખુલ્લા દરવાજાથી આરામથી અંદર લટાર મારી ચાલ્યા જાય છે. આથી નવજાત શીશુ માટે કયારેય જોખમ ઊભું થવાની શક્યતા છે. આ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન હોવાથી કેટલીક વાર ડૉક્ટરો અને નર્સ દર્દીઓને વી.એસ. હોસ્પિટલ લઈ જવાની સલાહ આપે છે. પરંતુ કેટલાક દર્દીઓનો એટલા ગરીબ હોય છે કે, અમુકવાર તો તેમની પાસે રિક્ષા ભાડું પણ હોતું નથી. આ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મૂકવાની જગ્યા હોવા છતાં ૧૦૮ મૂકવામાં આવતી નથી. આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક વાજીદખાન પઠાણે જણાવ્યું છે કે, હોસ્પિટલની હાલતતો ખરાબ છે જ પરંતુ હોસ્પિટલના ડૉક્ટરો અને નર્સો સહિતનો સ્ટાફ ખોટા બિલો રજૂ કરીને પાસ કરાવી લેતા હોવાની પરંપરા ચાલુ જ છે. આ ઉપરાંત હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે જ રિક્ષાઓની કતારો જામે છે તેમજ મુખ્ય દરવાજા બહાર મોટાભાગે અસામાજિક તત્ત્વોનો અડ્ડો હોવાથી હોસ્પિટલમાં આવનાર મહિલાઓને શરમ-જનક સ્થિતિમાં મુકાવવું પડે છે. આવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. પરંતુ સ્ટાફ આ ઘટનાને દબાવી દે છે. આમ, વિકાસના દાવા કરતા ભાજપ શાસિત મ્યુનિ. કોર્પો.ના શાસકો જો ખરેખર આ હોસ્પિટલને નવી બનાવે તો તેમના વિકાસના દાવાને સાચો ગણી શકાય.