(એજન્સી) મુંબઈ, તા. ૭
દિલીપ કુમાર તરીકે જાણીતા યુસુફ ખાનના નિધન બાદ તેમના પાર્થિવ દેહને બાંદ્રા સ્થિત તેમના ઘરે લાવી દેવાતા ત્યારે અંતિમ દર્શન માટે બોલિવુડના સેલેબ્સ અને નેતાઓ આવ્યા હતા. એક્ટર શાહરૂખ ખાન દિલીપ કુમારના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યો હતો. શાહરૂખ ખાનને દિલીપ કુમાર અને સાયરા બાનુ પોતાનો દીકરો માને છે. ત્યારે શાહરૂખ અવારનવાર દિલીપ કુમારના ઘરે જઈને તેમની સાથે સમય વિતાવતો હતો. આજે દિલીપ કુમારના અંતિમ દર્શન માટે શાહરૂખ પોતાની ટીમ સાથે દિલીપ કુમારના ઘરે આવી પહોંચ્યો હતો. શાહરૂખ ખાને આંસુ સારી રહેલા સાયરા બાનુને સાંત્વના પાઠવી હતી. શાહરૂખ ઉપરાંત ફિલ્મમેકર કરણ જોહર પણ દિલીપ સાહેબના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યો હતો. દિલીપ કુમારના નિધનના સમાચાર સાંભળ્યા બાદ કરણે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સિવાય અનિલ કપૂર પણ અંતિમ દર્શન માટે આવ્યો હતો. તેણે પણ દિલીપ કુમાર સાથેની તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ફિલ્મમેકર મધુર ભંડારકર સાયરા બાનુની સાથે હોસ્પિટલમાં પણ હતા. ત્યારે તેમણે દિલીપ કુમારના અંતિમ દર્શન કરતી તસવીર શેર કરતાં લખ્યું, લેજન્ડરી એક્ટર દિલીપ કુમાર સાહેબના અંતિમ દર્શન કરી શક્યો અને શ્રદ્ધાંજલિ આપી શક્યો તે માટે પોતાને નસીબદાર માનુ છું. દિલીપ કુમારના અંતિમ દર્શન માટે તેમના ઘરે આવેલા પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ પણ શોક વ્યક્ત કર્યો હતો. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ગમગીન ધર્મેન્દ્રએ કહ્યું, મેં આજે મારો ભાઈ ગુમાવ્યો છે. હું હંમેશા મારા દિલમાં તેની યાદો તાજી રાખીને જીવીશ. રાજ કપૂર અને દિલીપ કુમાર વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. ત્યારે કપૂર પરિવાર તરફથી રણબીર કપૂર દિલીપ કુમારના અંતિમ દર્શન માટે તેમજ સાયરા બાનુને સાંત્વના પાઠવવા આવ્યો હતો. અગાઉ મહારાષ્ટ્રના મુખ્યયમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ દિલીપ કુમારના અંતિમ દર્શન માટે આવ્યા હતા. તેમણે સાયરા બાનુને સાંત્વના પાઠવી હતી. એનસીપીના ચીફ શરદ પવાર અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક પણ દિલીપ કુમારના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બોલિવુડના જાણીતા એક્ટર જોની લિવર પણ દિલીપ સાહેબના છેલ્લા દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.