(એજન્સી) મુંબઇ, તા.૪
બોલિવૂડના સુપર સ્ટાર અને કિંગ શાહરૂખખાને જીવલેણ કોરોના વાયરસ મહામારી સામેની લડતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારના પ્રયાસોને સમર્થન આપવા માટે તાજેતરમાં જ રાહત કામગીરી તરફ ઘણા બધા પગલાંની જાહેરાત કરી છે. શાહરૂખખાન ગ્રુપની કંપનીઓ, કોલકાતા નાઇડ રાઇડર્સ, રેડ ચિલિસ એન્ટરટેઇનમેન્ટ, મીર ફાઉન્ડેશન અને રેડ ચિલિસ વીએફએક્સે આર્થિક મદદની જાહેરાતો કરી છે. તાજેતરના એક મહત્વના ઘટનાક્રમમાં કિંગ ખાને વધુ એક ડગલું આગળ વધીને મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)ની ક્વોરન્ટાઇન ક્ષમતા વધારવામાં મદદ કરવા માટે પોતાની ચાર માળની અંગત ઓફિસ આપવાની ઓફર કરી છે. આ ચાર માળની શાહરૂખખાનની ઓફિસમાં ક્વોરન્ટાઇન્ડ બાળકો મહિલાઓ અને વૃદ્ધોને સારવાર આપવામાં આવશે. શાહરૂખખાનની આ ઓફરની કદર કરીને બીએમસીએ તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલથી શનિવારે એક ટિ્‌વટ કર્યું છે. ટિ્‌વટમાં બીએમસીએ લખ્યું છે કે ‘અમે શાહરૂખખાન અને તેમનાં પત્ની ગૌરીખાનનો આભાર માનીએ છીએ. તેમણે પોતાની જરૂરતના સામાનોથી સુસજ્જ ૪ માળની પર્સનલ ઓફિસ ક્વોરન્ટાઇન્ડ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે ઓફર કરી છે, જેથી અમારી ક્વોરન્ટાઇન ક્ષમતા વધારી શકાય.ખરેખર આ એક વિચારશીલ અને સમયસરનો સારો સંકેત છે.’

‘તમે તો દિલ્હીવાળા છો, થેંક યુ નહીં બસ હુકમ કરો…’, અરવિંદ
કેજરીવાલે કહ્યું આભાર તો શાહરૂખખાને આવી રીતે રિએક્ટ કર્યું

હાલમાં ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આવી નાજુક પરિસ્થિતિમાં બોલિવૂડના કિંગ શાહરૂખખાને મદદ કરવાની જાહેરાત કરીને બધાનું મન મોહી લીધું છે. શાહરૂખખાને પીએમ કેર્સ ફંડ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રાહત કોષમાં આર્થિક સહાય કરવાનું જાહેર કર્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમનો આભાર માન્યો છે. અરવિંદ કેજરીવાલે શાહરૂખખાનનો આભાર માનતું ટિ્‌વટ કર્યું ‘શુક્રિયા શાહરૂખ જી, આપકા ધન્યવાદ. આ કઠીન સમય મેં આપકે ઇસ યોગદાન સે કઇ જિંદગીઓ કા ભલા હોગા.’ મુખ્યપ્રધાનના આ ટિ્‌વટ પર શાહરૂખ ખાને જવાબ આપતા લખ્યું ‘ સર આપ તો દિલ્લીવાલે હો, થેંક યુ મત કરો, હુકમ કરો.’ પોતાના દિલ્લીવાળા ભાઇઓ અને બહેનો માટે અમે લાગેલા રહીશું. ઇશ્વર ઇચ્છશે તો જલ્દી જ આ સંકટથી આપણે જીતીને નીકળીશું. તમારી મહેનત કરનારી ટીમને ઇશ્વર વધુ શક્તિ આપે. એટલું જ નહીં, કોરોના વાયરસ સાથેના આ જંગમાં લડવા માટે શાહરૂખ ખાન અને તેમનાં પત્ની ગૌરીખાને મુંબઇ સ્થિત પોતાની ચાર માળની ઓફિસમાં ક્વોરન્ટાઇન સેન્ટર બનાવી શકાય તેના માટે મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)ને આ બિલ્ડીંગ આપી દીધી છે. શાહરૂખખાનના આ પગલાની ચોમેર ભારે પ્રશંસા થઇ રહી છે.