સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડે, ન્યાયાધીશ એસએ બોપન્ના અને વી સુબ્રમણ્યમની બેંચ સુનાવણી કરશે, આગામી ૧૬મી ઓક્ટોબરે સુનાવણી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
ત્રણ કૃષિકાયદાઓ વિરૂદ્ધ દિલ્હીની અનેક સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક હટાવવા માટે સત્તાવાળાઓને આદેશ આપવાની માગ કરતી અરજી પર ૧૬મી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાશે. અરજીમાં જણાવ્યું છે કે, માર્ગો ચક્કાજામ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને મોટાપાયે લોકો ભેગા થયા હોવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવી દહેશત છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડે અને જસ્ટિસ એએસ બોપન્ના તથા વી રામસુબ્રમણ્યમની બેંચ રિષભ શર્મા નામના કાયદાના વિદ્યાર્થી દ્વારા કરાયેલી અરજી પર સુનાવણી કરશે. રિષભે દિલ્હીની સરહદો પાસેના માર્ગો ખોલવા અને દેખાવકારોને ફાળવાયેલા સ્થળે મોકલવા માટે સત્તાવાળાઓને આદેશ કરવાની માગ કરી છે. આ ઉપરાંત અરજદારે માગ કરી છે કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેખાવસ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના ઉપયોગ અંગે આપવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાનો પણ આદેશ આપવામાં આવે.
અરજીમાં દાવો કરાયો છે કે, ૨૭મી નવેમ્બરે દિલ્હી પોલીસે બુરાડીના નિરંકારી પોલીસ ગ્રાઉન્ડ ખાતે દેખાવકારોને શાંતિપૂર્ણ વિરોદ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી પરંતુ તેમ છતાં તેમણે રાષ્ટ્રીય પાટનગરની સરહદો પર ચક્કાજામ કર્યો છે. અરજદાર તરફથી વકીલ ઓમપ્રકાશ પરિહારે કહ્યું કે, દિલ્હીની સરહદો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે દેખાવકારો દ્વારા માર્ગો પર ચક્કાજામ કરાયો છે અને સરહદોના પોઇન્ટ બંધ છે. જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મેડીકલ સારવાર લેવા માટે દિલ્હીમાં આવવા જવા માટે પરિવહન કરતાં લોકોના વાહનોને ચક્કાજામનો સામનો કરવો પડી રહ્યો છે. અરજીમાં શાહીનબાગમાં થયેલા ધરણા પ્રદર્શનો અંગે ૭મી ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકવામાં આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે, અચોક્કસ મુદ્દત માટે કોઇપણ જાહેર સ્થળ પર કબજો જમાવી ના શકાય અને પોતાનો વિરોધ દર્શાવવા માટે ફાળવાયેલા સ્થળ પર વિરોધ પ્રદર્શન કરવું જોઇએ. સરકાર દ્વારા બહાર પડાયેલી કોરોના વાયરસની ગાઇડલાઇનનો ઉલ્લેખ કરતાં અરજીમાં કહેવાયું છે કે, રોગચાળા વચ્ચે મોટી સંખ્યામાં લોકો ભેગા ના થાય તેવા દિશાનિર્દેશ હોવા છતાં દિલ્હીની બોર્ડર પર લાખો લોકો એકઠા થયા છે અને તેના કારણે કોરોના વાયરસના કેસોમાં વધારો થવાની શક્યતા છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે, કોરોના વાયરસનો કોમ્યુનિટી સ્પ્રેડ ના થયા તે માટે ઇમરજન્સી અને મેડીકલ સેવાઓ માટે તમામ ચક્કાજામ કરાયેલા માર્ગો ખોલવા જોઇએ જે કોરોના વાયરસને રોકવા માટે દિલ્હીમાં પહોંચાડવી જરૂરી છે. અરજીમાં દેખાવકારોને દિલ્હીની સરહદો પરથી તાત્કાલિક હટાવવા માટે આદેશ આપવાની માગ કરવામાં આવી છે અને તેમને દિલ્હી પોલીસ દ્વારા ફાળવાયેલા સ્થળ પર ધરણા પ્રદર્શન કરવા માટે મંજૂરી આપવી જોઇએ. અરજીમાં ઉમેરાયું છે કે, કોરોના વાયરસનું જોખમ ઓછુંં થઇ જાય પછી તેઓ પોતાના દેખાવો ચાલુ રાખી શકે છે પરંતુ હાલ પૂરતા આ દેખાવો રોકાવા જોઇએ. આંદોલન ચાલુ હોવાને કારણે દિલ્હી સાથે જોડાયેલી હરિયાણા અને ઉત્તરપ્રદેશની અનેક બોર્ડર બંધ છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત પ્રતિનિધિઓ સાથે સરકારની આશરે પાંચ તબક્કાની મંત્રણાઓ નિષ્ફળ ગઇ છે પરંતુ ત્રણેય કાયદાઓ રદ કરવા સિવાય આંદોલન બંધ નહીં થાય તેવી ખેડૂત પ્રતિનિધિઓની માગ હોવાથી આ મડાગાંઠ યથાવત્‌ રહી છે.