(એજન્સી) તા.૨૨
સુપ્રીમકોર્ટ દ્વારા નિમાયેલી મધ્યસ્થી સમિતિ છેલ્લાં ચાર દિવસોથી શાહીનબાગના દેખાવકારોને મનાવવા પ્રયાસ કરી રહી છે અને તેમને રોડ ખૂલ્લો મૂકીને બીજા સ્થળે ધરણાં કરાવવા મનાવી રહી છે છતાં તેમના પ્રયાસો સતત ચોથા દિવસે નિષ્ફળ ગયા. જોકે ૨૧ ફેબ્રુઆરીના રોજ સંજય હેગડે અને સાધના રામચંદ્રને તેમનું નિવેદન જાહેર કર્યુ હતું અને તેમાં તેમણે કહ્યું હતું કે અમને એવા સંકેત મળ્યા છે કે દેખાવકારો તરફથી અમને આશા છે કે તેઓ શાહીનબાગને ખાલી કરી શકે છે. અમને તેમનો દુઃખ અને અને ભય સમજાય છે. તેઓ ખાસ કરીને તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે.
શાહીન બાગના પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટના મધ્યસ્થી સાધના રામચંદ્રને ચોથા દિવસે પણ વાતચીત કરી હતી. જો કે તેનું કોઈ પરિણામ નથી આવ્યું. નાગરિક્તા સંશોધન કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર સિટીઝન (NRC) વિરૂદ્ધ દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોને રસ્તો ખુલ્લો કરવા મુદ્દે મધ્યસ્થી સાધના રામચંદ્રને શનિવારે વાતચીત કરી હતી. પ્રદર્શનકારીઓએ મધ્યસ્થી સમક્ષ અનેક માંગો મૂકી હતી. અગાઉ ત્રણ તબક્કાની વાટાઘાટોનું પણ કોઈ પરિણામ આવ્યું નહતું. જે બાદ ચોથા દિવસે પણ મધ્યસ્થી સાધના રામચંદ્રન શાહીન બાગ પહોંચ્યા હતા અને પ્રદર્શનકારી મહિલાઓ સાથે વાતચીત કરી હતી.
સાધના રામચંદ્રને પ્રદર્શનકારીઓને જણાવ્યું કે, કાલે અમે રસ્તો ખુલ્લો કરવા વાત કરી હતી. કાલે અડધી વાત થઈ હતી અને તમે સુરક્ષાની વાત કરી હતી. હુ નથી કહેતી કે, તમે શાહીન બાગથી ચાલ્યા જાઓ. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે, જો અમને લેખિતમાં સુરક્ષાનું આશ્વાસન મળે છે કે કેમ? જેના પર રામ ચંદ્રને જણાવ્યું કે, શું તેનાથી આપણે ખુશ થઈશું? વાતચીત દરમિયાન પ્રદર્શન કરી રહેલા મહિલાઓએ મધ્યસ્થી સાધના રામચંદ્ર સમક્ષ કેટલીક માંગો મૂકી હતી.
પ્રદર્શનકારીઓની માંગ હતી કે, સુપ્રીમ કોર્ટ સુરક્ષા પર એક આદેશ આપે. પ્રદર્શનકારીઓ ઈચ્છે છે કે, શાહીન બાગ અને જામિયાના લોકો વિરૂદ્ધના કેસો પરત ખેંચવામાં આવે. પ્રદર્શનકારીઓની સુરક્ષાની જવાબદારી પોલીસ નહી, પરંતુ સુપ્રીમ કોર્ટ લે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે, સ્મૃતિ ઈરાનીએ પ્રદર્શનકારી મહિલાઓ પર ટિપ્પણી કરી હતી કે, શાહીન બાગની મહિલાઓ વાતચીત કરવા માટે લાયક નથી. જે લોકો શાહીન બાગના પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ બેફામ બોલે છે, તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
અગાઉ શુક્રવારે શાહીન બાગમાં મધ્યસ્થીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની વાતચીતમાં સુરક્ષાનો મુદ્દો મહત્વનો રહ્યો છે અને હવે સુરક્ષાને લેઈ વાત રાખવામાં આવી તો પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસ લેખિતમાં બાંહેધરી આપે તેવી શરત મૂકી છે. તેમણે જણાવ્યું કે, સુરક્ષાને લઈને અમને વિશ્વાસ નથી અને જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો કમિશ્નરથી લઈને કોન્સ્ટેબલ સુધીના લોકોને જવાબદાર માનવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે.