(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સરકારે શાહીનબાગ વિસ્તારમાં સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરતાં વિરોધ પ્રદર્શન સ્થળે યુવાઓ અને મહિલાઓ સમેત મોટી સંખ્યામાં લોકો શાહીનબાગ તરફ જઈ રહ્યા છે. આજે શાહીનબાગમાં પ્રદર્શનોનો ૭૮મો દિવસ છે. આ સ્થળ દેશમાં સીએએ સામેના વિરોધોનું મુખ્ય મથક બની ગયું છે. સરકારે આ વિસ્તારમાં ભારે પોલીસનો કાફલો ખડકી દીધો છે. પોલીસે કાલિંદીકુંજથી નોઈડા તરફ જતાં રસ્તાને બંધ કર્યો છે. આજે હિન્દુ સેનાએ જાહેરાત કરી હતી કે તેઓ શાહીનબાગ ખાલી કરાવવા કૂચ કરશે. પોલીસ આ રોડ ઉપરથી પગપાળા ચાલનાર લોકોને પણ જવા દેતી નથી. પોલીસે જણાવ્યું કે, અમે કાયદો વ્યવસ્થા જાળવી રહ્યા છીએ. જો કે, હિન્દુ સેનાએ શનિવારે સાંજે જ જાહેર કર્યું હતું કે, એમણે પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે તેમ છતાંય પોલીસ કોઈ જોખમ લેવા માંગતી નથી. જો કે, પોલીસે શાહીનબાગમાં પ્રદર્શનકારીઓને જણાવ્યું કે, તેઓ લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરે જેના પગલે પ્રદર્શનકારીઓએ લાઉડસ્પીકરો બંધ રાખ્યા છે. લાઉડસ્પીકરનો ઉપયોગ નહીં કરવા માટે આવેલ પોલીસને જોઈ યુવાઓને શંકા થઈ કે કદાચ અમને બળજબરીથી અહીંથી ખસેડશે જે રીતે મોજપુર, જાફરાબાદ અને શિવ વિહાર, ચાંદબાગમાંથી ખસેડાયા હતા. અમુક પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે, એમણે રવિવારે સવારે શાહીનબાગ વિસ્તારોમાં ડ્રોન જોયા હતા. કદાચ તેઓ ધાબાઓ ઉપર નિગરાની કરતા હતા કારણ કે, પૂર્વ દિલ્હીમાં ધાબાઓ ઉપર મૂકાયેલ પથ્થરો અને પેટ્રોલ બોમ્બથી હુમલાઓ થયા હતા. જો કે, પોલીસે આ બાબત કંઈ કહેવા ઈન્કાર કર્યું હતું. પ્રદર્શન સ્થળ ઉપર હાજર રહેલ એક વકીલે જણાવ્યું કે, સરકાર બળજબરીથી અમને અહીંથી હટાવવા માંગે છે. એના માટે કલમ ૧૪૪ લગાવવામાં આવી છે. કલમ ૧૪૪ ત્યારે લગાવાય છે જ્યારે તોફાનોનો ભય હોય. અહીં થઈ રહેલા પ્રદર્શનો સંપૂર્ણ શાંતિપૂર્ણ છે. જો હિન્દુ સેના જેવા સંગઠનો પ્રદર્શનકારીઓને ધમકીઓ આપશે તો એમને રોકવાનો કામ પોલીસનું છે. જ્યાં સુધી સીએએ રદ નહીં કરાય ત્યાં સુધી અમારું પ્રદર્શન ચાલુ રહેશે.