(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૯
વિધાનસભામાં આજે ચર્ચા દરમ્યાન પોતાના સંબોધનમાં કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દિલ્હીના શાહીનબાગની મુલાકાત અંગે સરકારના ગૃહ રાજ્યમંત્રી સહિતના ભાજપના આક્ષેપોના જવાબમાં સ્પષ્ટતા કરવા સાથે વળતા પ્રહારો પણ કર્યા હતા. તેમણે શાહીનબાગ પાકિસ્તાનમાં નહીં રાજધાની દિલ્હીમાં જ હોવાનું અને તેના માટે પાસપોર્ટ લેવાની જરૂર ન હોવાનું જણાવી કહ્યું હતું કે, હું કોઈના આમંત્રણ વિના બિરયાની ખાવા માટે પાકિસ્તાન ગયો નહોતો, દેશની રાજધાનીમાં જ ગયો હતો. ગત રોજ વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે કહ્યું હતું કે, બે ધારાસભ્યો શાહીનબાગ ગયા હતા તેમના પર મને શરમ આવે છે. તેમના આ સંબોધન અંગે જવાબ આપતા કોંગ્રેસના ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, બિરયાની ખાવા માટે પાકિસ્તાન નહોતો ગયો, હું ભારત દેશની રાજધાનીમાં ગયો હતો.
ગૃહ રાજ્યમંત્રી ગૃહમાં અવારનવાર આલિયા, માલિયા, જમાલિયાની વાતો કરે છે ત્યારે કહેવું છે કે, આપ રાજ્યના ગૃહમંત્રી છો, એક સજ્જન વ્યક્તિ છો, આટલા મોટા સંવિધાનિક પદ પર બેઠા છો ત્યારે કોઈની લાગણી દુભાવો, કોઈની લાગણીઓ સાથે ચેડાં કરો તે શોભાસ્પદ નથી. આપ એવી વાતો કરો જેનાથી ગુજરાતનું સન્માન વધે, લોકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે, તેમ કટાક્ષપૂર્ણ રીતે વળતો જવાબ આપ્યો હતો.
ગઈ કાલે ગૃહમંત્રીએ સરજીલ ઈમામની ઘટનાને શાહીનબાગની ઘટના સાથે જોડી જે વાત કરી તે અંગે તેમણે જણાવ્યું કે, સરજીલ ઈમામની ઘટના શાહીનબાગની નહીં પરંતુ અલીગઢની છે અને શાહીનબાગમાં એવી કોઈ ઘટના નથી ઘટી કે જેનાથી આપણને શરમ અનુભવાય. આપણે બેટી બચાવો, બેટી પઢાવોની વાતો કરીએ છીએ. શાહીનબાગમાં દેશની માતાઓ, દીકરીઓ અહિંસક આંદોલન દ્વારા દેશના સંવિધાનને બચાવવાની વાત કરી રહી છે. અમે જ્યારે શાહીનબાગમાં ગયા અને અદ્‌ભૂત દૃશ્ય જોયું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો બેઠા હતા. કોઈકના હાથમાં ગીતા તો કોઈકના હાથમાં કુર્આન હતું અને તમામ લોકોના હાથમાં ત્રિરંગા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો વંદે માતરમ્‌, હિન્દુસ્તાન જીંદાબાદ અને સંવિધાન જીંદાબાદના નારા લગાવતા હતા. શાહીનબાગમાં રાષ્ટ્રદ્રોહી વકતવ્ય થયું હોય તો રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી તેમની તાકીદે ધરપકડ શું કામ કરવામાં આવી નથી ? તેવો વળતો પ્રશ્ન તેમણે જવાબમાં સરકારને કર્યો હતો. ભાજપના જવાબદાર નેતાઓ-મંત્રીઓ દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપે અને તે માટે હાઈકોર્ટે કહેવું પડે કે, તેમની સામે એફઆઈઆર દાખલ કરો. કપિલ મિશ્રા હોય કે વારિસ પઠાણ હોય, ભડકાઉ ભાષણ કરતા આવા વ્યક્તિઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. તેમ જણાવતા ગ્યાસુદ્દીન શેખે ઉમેર્યું કે, દિલ્હીમાં ૩૮ નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે જે બહેનો વિધવા થઈ છે, જે બાળકો અનાથ થયા છે તેમની આવનાર દિવસોમાં શું પરિસ્થિતિ થશે ? આ બધુ જોવાની જવાબદારી દિલ્હીમાં ગૃહ મંત્રાલય સંભાળતી કેન્દ્રની ભાજપ સરકારની છે.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશના હિન્દુઓને ભારતની નાગરિકતા આપવામાં આવે તેમાં કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ મુસ્લિમોને ધર્મના આધારે સીએએમાંથી બાકાત રાખવા ગેરબંધારણીય છે જેથી સમગ્ર દેશમાં સીએએનો વિરોધ થઈ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.