અમદાવાદ, તા.૬
લોકડાઉન બાદ છૂટછાટ અપાતા હવે ગઠિયાઓને પણ જાણે છૂટ મળી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વિસ્તારમાં પ્રજાના પ્રતિનિધિ એવા મહિલા કોર્પોરેટરનું પર્સ છીનવીને ગઠિયા ફરાર થઈ ગયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જો પ્રજાના પ્રતિનિધિ સાથે જ આવું થતું હોય તો સામાન્ય માણસની સલામતી અને સુરક્ષાનું શું ??
શહેરના શાહિબાગ વિસ્તારમાં ફ્રૂટ લઈ ઘરે પરત જતાં મહિલા કોર્પોરેટરનું પર્સ લઈ ગઠિયાઓ ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. પર્સની ચોરી કરનાર બાઈક પર આવેલા ગઠિયાઓમાં કેદ થઈ ગયા છે.
શાહિબાગમાં આવેલ પ્લેટિના હાઇટ્‌સ ખાતે રહેતા સ્થાનિક કોર્પોરેટર પ્રતિભાબહેન જૈન ૪થી તારીખના રોજ બપોરના સમયે તેમના ઘર સામેથી લારીમાંથી ફ્રૂટ ખરીદી કરી હતી. ત્યાર બાદ એક્ટિવાની આગળની જગ્યાએ ફ્રૂટ અને પર્સ મૂક્યું હતું અને મહિલા કોર્પોરેટર પોતાના ઘરે પરત જવા રસ્તો ક્રોસ કરવા ઊભા હતા. તે સમયે બાઈક પર આવેલા બે ગઠિયાએ આવીને શાહીબાગ કહ્યું હતું. જો કે, મહિલા કઈ સમજે તે પહેલા જ એક્ટિવા આગળ રાખેલું પર્સની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે, લૂંટારૂંઓ આંખના પલકારામાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મહિલા કોર્પોરેટર પ્રતિભાબેન શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતા ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બાઈક પર આવેલા ગઠિયાઓ મહિલા કોર્પોરેટરની પાછળ પીછો કરતા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આરોપી ઓ કેટલા સમયમાં પોલીસ પકડમાં આવે છે.