અમદાવાદ, તા.૧૧
તાજેતરમાં સુરતમાં ભાજપના એક ગ્રુપમાં અશ્લીલ વીડિયો વાયરલ કર્યા બાદ અમદાવાદ શહેરના શાહીબાગ વોર્ડના ગ્રુપમાં અશ્લીલ વીડિયો મૂકી દેવાતાં બહુ ગંભીર વિવાદ સર્જાયો છે. ભાજપના ગ્રુપમાં સામેલ મહિલા ધારાસભ્યો, આગેવાનો અને નેતાઓ-કાર્યકરો હોવાને લઇ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. મહિલા આગેવાનો અને નેતાઓએ તાત્કાલિક ગ્રુપમાંથી અશ્લીલ વીડિયો પોસ્ટ કરનારી વ્યકિતને હાંકી કાઢવા અને જરૂરી કાર્યવાહી કરવા રોષ ઠાલવ્યો હતો. આ ઘટના બાદ શહેર ભાજપના નેતાઓ અને આગેવાનો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના શાહીબાગ વોર્ડના ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો મૂકાતાં ભારે વિવાદ સર્જાયો છે, વીરેન્દ્ર નામના શખ્સે આ વીડિયો મૂકાતાં શિસ્ત અને સંસ્કારના દાવા કરતી ભાજપની ઇમેજના લીરેલીરા ઉડી રહ્યા છે. કારણ કે, સુરત સહિત રાજયના વિવિધ સ્થળોએ ભાજપના ગ્રુપમાં આ જ પ્રકારે અશ્લીલ અને બિભિત્સ વીડિયો પોસ્ટ કરી વિવાદ સર્જવામાં આવી રહ્યા છે ત્યારે આવી ગંદી હરકતોને લઇ ભાજપની છબી ખરડાઇ રહી છે. શાહીબાગ વોર્ડના ભાજપના આ ગ્રુપમાં સાંસદો, ધારાસભ્યો, મહિલા ધારાસભ્યો, આગેવાનો અને નેતાઓ સામેલ હોવાછતાં આવી ગંદી હરકત સામે આવતાં શહેર ભાજપ અને તેના નેતાઓ માટે ફરી એકવાર નીચાજોણું થયું છે અને પક્ષના આગેવાનો તેમ જ નેતાઓ શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. અગાઉ સુરતના લિંબાયત વોર્ડ નં-૨૪ના કોર્પોરેટર દ્વારા પણ આ જ પ્રકારે ભાજપના ગ્રુપમાં કેટલાક અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેવાતાં ગંભીર વિવાદ સર્જાયો હતો. આ ઘટનાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે અમદાવાદના શાહીબાગ વોર્ડના ભાજપ ગ્રુપમાં આ જ પ્રકારે અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેવાતાં પક્ષની ઇમેજને ગંભીર ફટકો પડી રહ્યો છે. બીજીબાજુ, ગ્રુપમાં સામેલ કોઇને કોઇ વ્યકિત દ્વારા આચરાતી આવી ગંદી અને હીન હરકતોને લઇ ભાજપના મોવડીમંડળ અને સંગઠનના નેતાઓ માટે આ સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે.