(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગતરોજ સુરતની મુલાકાતે આવ્યા હતા તે સંદર્ભે ફેસબુક ઉપર મુખ્યમંત્રીનું શાહી ફેંકી સન્માન કરવા બાબતના મેસેજ મુકનાર યુઝર ધારક સામે ડીસીબી પોલીસે ફરિયાદ નોંધી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડીસીબી પોલીસ સ્ટેશને આરોપી સોશિયલ સાઈડ ફેસબુકના લલિત ડોન્ડા નામના યુઝર સામે ઈ.પી.કો કલમ ૧૫૩ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ લલિત ડોન્ડા નામના વ્યક્તિએ મુખ્યમંત્રીના સુરતના કાર્યક્રમ અનુસંધાને મેસેજ મુક્યો હતો. જેમાં સુરતમાં કાલે સવારે મુખ્યમંત્રી આવે છે, તો શાહી ફેંકીને સન્માન કરવું પડશે. લલિત ડોન્ડા, ચાલો કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાહીથી સન્માન કરવાનું છે તો થઈ જાવ તૈયાર આવા મેસેજ મુકીને લોકોમાં ઉશ્કેરાટ પેદા થાય અને શહેરની શાંતિ ડહોળાય તેવા હેતુથી મેસેજા કર્યા હતા. આ મેસેજ લખનારા સામે ડીસીબી પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.