(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
રાજ્યના પ્રા.શિક્ષણ નિયામક હસ્તકની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ દરખાસ્તના નાણાં રૂા.૨૪.૧૩ કરોડથી વધીને સીધા જ બીજી દરખાસ્તમાં રૂા.૮૬.૦૭ કરોડ થઈ જતાં રાજ્ય શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી હચમચી જવા પામ્યા છે. જેમણે તાકીદના ધોરણે આ સંદર્ભે વિગતો નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી પાસેથી માંગી હોવાનું જાણવા મળે છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને સંબોધીને રાજ્યના શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી લખેલા પત્રમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂા. ૫ હજારથી ૮ હજાર મંજૂર કરવા વિનંતી કરી છે. ઉપરાંત રાજ્યના સેક્શન અધિકારીએ તમામ નગર પ્રાથમિક શિક્ષણ વિભાગના શાસનાધિકારીઓને એક પત્ર લખી તેમની હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો વિશે માહિતી મંગાવી હોય જાણવા મળે છે.
આ પત્ર વ્યવહાર કરવાની સેક્શન અધિકારીને એટલા માટે ફરજ પડવાનું હોવાનું જાણવા મળે છે કે, આ રાજ્યના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ માટે અગાઉ સંભવિત ખર્ચ રૂા.૨૪,૧૩,૪૪,૧૭૬ અંદાજવામાં આવ્યો હતો. પરંતુ આ ખર્ચ હાલની દરખાસ્તમાં વધીને રૂા.૮૬,૦૬,૮૫,૪૨૫ થઈ જવા પામ્યો છે. આ અંગે આટલો ધરખમ તફાવત આવતા રાજ્યનો શિક્ષણ વિભાગ પણ હચમચી પામ્યો છે તેમણે એક જ દિવસમાં રાજ્યના તમામ શાસનાધિકારીઓ પાસેથી તેમની શાળાના શિક્ષકોની માહિતીઓ તાકીદના ધોરણે મંગાવી છે. આ ઉપરાંત સેક્શન અધિકારી જે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તેમાં એવી પણ વિગતો માંગવામાં આવી છે કે ઉચ્ચતર પગાર ધોરણ નિયમ વિના ચૂકવવામાં આવેલ છે તે કિસ્સામાં સંબંધિતોના ખુલાસા રજૂ કરવા વિનંતી છે, તથા મહાનગર પાલિકાના કિસ્સામાં ૮૦ ટકા ગ્રાંટ અને નગર પાલિકાના કિસ્સામાં ૧૦૦ ટકા ગ્રાંટ કેવી રીતે ફાળવાઈ છે તે પણ સ્પષ્ટ કરવા આ પત્રમાં શાસનાધિકારીઓને વિનંતી કરવામાં આવી છે.