(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાના પરિપત્રનો વડોદરામાં પણ વિરોધ શરૂ થયો છે. ગુજરાતનાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ પરિપત્રનો અમલ નહીં કરવામાં આવે તેવું એલાન કર્યું છે. ત્યારે વડોદરામાં પણ ખાનગી, પ્રાથમિક શાળાઓનાં શિક્ષણ સંઘે પણ તેની સામે વિરોધનો સુર વ્યકત કર્યો છે.
શિક્ષક સંઘનાં મંત્રી હસમુખ પાઠકનું કહેવું છે કે, પહેલા સરકાર ખાનગી સ્કૂલોમાં શિક્ષકોનાં થતા શોષણને અટકાવે પછી ઓનલાઇન હાજરી પુરવા જેવા ગતકડા અમલમાં મુકે તેમણે કહ્યું હતું કે, ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોને યોગ્ય પગાર નથી અપાતો. સંચાલકો તેમનું શોષણ કરે છે. બીજી તરફ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો બોગસ હાજરી પુરીને ટકી રહ્યાં છે. તો સરકારી સ્કૂલોમાં ઓનલાઇન હાજરી સીસ્ટમની જરૂર છે. ખાનગી શાળાઓમાં આ એક બોજારૂપ નિર્ણય પુરવાર થશે. ખાનગી સ્કૂલોનાં શિક્ષકોની બીજી સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.