(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા. ૨૧
એક તરફ રાજય સરકાર મોટી-મોટી જાહેરાતો કરતી હોવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ કડવી વાસ્તવિકતા એ છે કે ટેટ-૨ પરીક્ષા પાસ કરી ચુકેલા રાજયમાં હજારો અરજદારોને પરીક્ષા પાસ કર્યાના ૫-૫ વર્ષ પછી નોકરી નસીબ થઇ નથી જેને લઈને આવા અરજદારો ના છુટકે ખાનગી શાળામાં નજીવા પગારમાં નોકરી કરવાની ફરજ પડે છે. આ મુદે સરકારમાં અવારનવાર રજુઆતો કરવા છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. ત્યાં ફરી ૬ માર્ચથી પ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
દર વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ટેટ-૧ અને ટેટ-૨ પરીક્ષાનું આયોજન કરાય છે જેમાં ટેટ-૧ માટે ધો.-૧ થી ૫ અને ટેટ-૨ માટે ધો-૨ થી ૮માં શિક્ષકોની ભરતી કરાય છે જે માટે દર વર્ષે જાહેરાત કરી સરકાર અને શિક્ષણ બોર્ડના નામે ગુજરાતના લાખો બેકાર ઉમેદવારો પાસેથી કરોડોની ફી વસુલે છે. પરંતુ પરીક્ષા આપ્યાં બાદ ભરતી ક્યાં કરવામાં આવે છે. કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા મથામણ કરતા અનેક શિક્ષિત ઉમેદવારો નોકરીની રાહ જોઇ રહ્યાં છે તેમની આશા-અરમાનો ઉપર ઠંડુ પાણી વળે છે. બેકાર ઉમેદવારોના ભવિષ્ય સામે સવાલ ઉભા થયા છે આ મુદે વારંવારની રજુઆત બાદ ઠાલા આશ્વાસનો આપવામાં આવ્યાં છે. સાબરકાંઠા-અરવલ્લીના સેંકડો આવા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠયો છે અને તાર્કીદે ભરતી જાહેર નહી કરવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચારવામાં આવી છે નોકરીની તલાશમાં દર દર ભટકતાં ઉમેદવારોની લાગણી સરકાર ધ્યાને લેશે ? તેનો પ્રશ્ન શિક્ષિત બેરોજગારો કરી રહ્યાં છે.