• નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા સ્કૂલોને વિવિધ સૂચનાઓ અપાઈ

  • પ્રથમ સત્રમાં સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી બીજા સત્રમાં હાજરી માટે પ્રયાસ કરવા પણ જણાવાયું

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮

રાજ્યની સ્કૂલોમાં ૨૨ નવેમ્બરથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે તે પહેલા સ્કૂલોને કેટલીક સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જે મુજબ જિલ્લા કક્ષાએ રહેતા શિક્ષકોએ વેકેશનમાં પણ ફળિયા શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે પ્રેરિત કરવા માટે જણાવાયું છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ પ્રથમ સત્રમાં સતત ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓને અલગ તારવી તેમના વાલીનો સંપર્ક કરી તેમને નવા સત્રમાં રાબેતા મુજબ સ્કૂલમાં આવે તે માટે પ્રયાસ કરવા માટે પણ જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની સ્કૂલમાં ૧ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ૨૨ નવેમ્બરથી રાજ્યની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક સત્રને લઈને સ્કૂલોને સુચનાઓ આપવામાં આવી છે. જેમા જે શિક્ષકો જિલ્લામાં જ રહેતા હોય તેવા શિક્ષકોએ વેકેશનમાં પણ ફળિયા શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય માટે પ્રેરિત કરવાના રહેશે. લોકડાઉન વખતે પણ ફળિયા શિક્ષણના ખૂબ જ સારા પરિણામો આવ્યા હતા, જેથી હવે વેકેશનમાં પણ તેનો ઉપયોગ કરવા માટે સૂચના અપાઈ છે.

પ્રથમ શૈક્ષણિક સત્રમાં જે બાળકો સતત ગેરહાજર રહ્યા હોય તેમને અલગ તારવી તેમના વાલીનો સંપર્ક કરવા માટે શાળાઓને સુચના અપાઈ છે. આવા બાળકો ફરી સ્કૂલો રાબેતા મુજબ આવતા થાય તે માટે પ્રયાસ કરવા માટે સૂચના અપાઈ છે. દિવાળી વેકેશન ૨૧ નવેમ્બરના રોજ પૂર્ણ થતું હોવાથી તેના પહેલા એટલે કે ૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ સ્કૂલ કેમ્પસની સફાઈ કરવામાં આવે તે માટે પણ સુચના આપવામાં આવી છે. જેથી ૨૨ નવેમ્બરથી જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય ત્યારે પ્રથમ દિવસથી જ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકાય.

સ્કૂલોમાં ૨૨ નવેમ્બરથી નવા સત્રનો પ્રારંભ થાય ત્યારે પ્રથમ સપ્તાહમાં એટલે કે ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓને આકર્ષિ શકાય તે માટે વિવિધ રમતો જેવી કે, સંગીત ખુરશી, કબડ્ડી, રંગોળી સ્પર્ધા, કોથળા દોડ, લીંબુ ચમચી તથા નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું સ્થાનિક કક્ષાએ આયોજન કરવાનું રહેશે. આ અંગેની જાણ વાલીઓ અને વિદ્યાર્થીઓને અગાઉથી જ કરવા માટે પણ સ્કૂલોને જણાવવામાં આવ્યું છે. બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વિદ્યાર્થીઓની પુરતી હાજરી રહે તે માટે ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.