અમદાવાદ, તા.૩
શિક્ષણની સાથે-સાથે ચૂંટણી સહિતના અન્ય કામો કરતા શિક્ષકોને અન્યાય થતો હોવાની બૂમ ઉઠી છે. સરકારે ગ્રેડ પે ઘટાડતા શિક્ષકોમાં ભારે રોષ છે ત્યારે ગ્રેડ પે પાછો આપવાની માંગ સાથે શિક્ષકોએ ઓનલાઈન અભિયાન ચલાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ સરકારે શિક્ષકોના ગ્રેડ પેમાં ઘટાડો કરતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને ગ્રેડ પે પાછો આપવાની માંગ સાથે વોટ્‌સએપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ ૧૯૯૪થી નોકરીમાં નવ વર્ષ બાદ ૪૨૦૦ ગ્રેડ પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં એક પરિપત્ર કર્યો કે હવે વર્ષ ૨૦૧૦ બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૨૮૦૦ ગ્રેડ પે જ મળશે.
ત્યારથી આજ એક વર્ષ સુધી શિક્ષક સંઘ વિવિધ તબક્કે રજૂઆત કરી ચૂક્યા છે. કે જે ૪૨૦૦ હતો એને ૨૮૦૦ કેમ કરી દીધો. બીજા કોઈ વિભાગમાં નહીંને શિક્ષકોનો પગાર ધટાડો કેમ? અમે પગાર વધારો નથી માંગતા. જે વર્ષો થી નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪૨૦૦ મળતો હતો. જે સરકારે ૨૮૦૦ કરી દીધો છે. એ ૪૨૦૦ ચાલુ રાખવામાં આવે એવી લડત છે.
પ્રાથમિક શિક્ષક સંકેત પટેલે મીડિયાને જણાવ્યા પ્રમાણે ૨૦૧૦ પછી ૬૫૦૦૦ શિક્ષકો છે. ૨૦૧૯ના એક પરિપત્રની વિસંગતતાના કારણે અમારો ગ્રેડ પે ૪૨૦૦ રૂપિયાથી ઘટાડીને ૨૮૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૬૫૦૦૦ શિક્ષકોને અન્યાય થશે. આ અંગે અમારી છેલ્લા દોઢ વર્ષથી સરકાર સાથે વાતો ચાલી રહી છે. સરકાર પોઝિટિવ વાતો કરે છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
આ અંગે કોંગ્રેસના નેતા ડો. મનિષ દોશીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ છે. પરિપત્રોમાં હાથેકરીને વિસંગતતાઓ ઊભી કરવામાં આવે છે અને જુદા જુદા માધ્યમો થકી શિક્ષકોને એનો ભોગ બનાવવામાં આવે છે.
શિક્ષણ વિભાગને પૂછવું છે કે જે શિક્ષકો સમાજનું ઘડતર કરે છે એ શિક્ષકોને જ અન્યાય કેમ થાય છે. આ શિક્ષકોના સન્માન સાથે અન્યાય છે તેમને આર્થિક રીતે પણ નુકસાન છે. જે દેશમાં શિક્ષકોને સન્માન મળે તે દેશનો વિકાસ થાય છે.