(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.રપ
રાજ્યભરના શિક્ષકો પાસે બી.એલ.ઓ. તરીકેની કામગીરી કરાવવામાં આવે છે, જેની સામે રાજ્ય શિક્ષક સંઘે, નારાજકી દર્શાવી સરકારને આ કામગીરી અન્ય કર્મચારીઓ પાસે કરાવવા માંગ કરી છે, આ પ્રશ્ને રાજ્ય સંઘે, રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે.
રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મંત્રી સતિષભાઈ પટેલે, રાજ્યનાં ચુંટણી અધિકારીને રજુઆતમાં જરાવ્યુ છે કે આર. ટી.ઇ.એકટ – ૨૦૦૯ મુજબ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, શિક્ષકોને શિક્ષણનાં ભોગે બી.એલ.ઓ.ની કામગીરી કરવાની થાય છે, આ કામગીરી શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓને પણ આપવા પરિપત્રથી નક્કી કરવામાં આવેલ છે. શિક્ષકો પોતાનાં મોબાઇલમાં આ કામગીરી કોઈ પણ સંજોગોમાં કરી શકે એમ નથી, શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપી , માત્ર વિધ્યાર્થીઓને શિક્ષણ આપવાની મૂળભૂત જવાબદારી આપવામાં આવે એવી માંગ રાજ્ય સંઘે કરી છે.
આ કામગીરી કરનારા શિક્ષકોને સાહિત્ય કે મીટીંગનાં બહાને ચાલુ સ્કૂલે મામલતદાર કચેરીએ બોલાવવામાં આવે છે જે વિધ્યાર્થીઓના શિક્ષણને અસર કરે છે. સ્કૂલ સમય બાદ આ કામગીરી કરવી, પરંતુ કેટલીકવાર સ્કૂલનાં સમયે જવાની સુચના મળે તો આચાર્ય અને શિક્ષકો વચ્ચે સંઘર્ષ થાય છે. મતદારયાદીમાં સાચા કે ખોટા નામને લઈ આવે તેમાં શિક્ષકનો દોષ ન હોવા છતાં ગ્રામજનો સાથે પણ સઘર્ષ થાય છે. આ કામગીરી માટે અન્ય વિભાગમાંથી કર્મચારી જે અલગથી વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. શિક્ષક વર્ગ ખડમાંથી બહાર જાય એટલે ૪૦, થી ૫૦, વિદ્યાર્થીઓને અસર થાય છે. જ્યારે અન્ય કેડરમાં ટેબલ, ખુરશી કે ફાઈલને અસર થાય છે, જે બીજા દિવસે પણ પૂર્ણ થઈ શકે છે. જ્યારે જીવંત વિદ્યાર્થીઓનાં શિક્ષણનો ગયેલો સમય પરત આવતો નથી. સર્વોચ્ચ અદાલતના ૬/૧૨/૨૦૦૭નાં ચુકાદા મુજબ શિક્ષકોને ચૂંટણી સમયે ચૂંટણી સબંધી કામગીરી કરવાની હોય છે. પરંતુ વર્ષ દરમિયાન ચાલતી કામગીરી કરવાની રહેતી નથી, શિક્ષકો પાસે બી.એલ.ઓ.ની કામગીરી કરાવવીએ આર.ટી.આઈ. – ૨૦૦૯ અને સર્વોચ્ચ અદાલતના હુકમનો અનાદર થયેલો કહેવાય, એમ રાજ્ય શિક્ષક સંઘ માને છે. અંતમાં આ પ્રશ્નનો વિધ્યાર્થીઓનાં હીતમાં યોગ્ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
શિક્ષકો પાસે BLOની કામગીરી કરાવવી એ RTE અને સર્વોચ્ચ અદાલતના હુકમનો અનાદર

Recent Comments