(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૫

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિન અવસરે રાજ્યના ૪૪ શિક્ષકોનું તેમની શ્રેષ્ઠતા ઉત્કૃષ્ટતા માટે શિક્ષક એવોર્ડથી સન્માન ગાંધીનગરમાં કર્યુ હતું.

મુખ્યમંત્રીએ શિક્ષકોને સમાજની ભાવિ પેઢીના અને શિક્ષીત-દિક્ષીત સમાજના નિર્માતા તરીકે નવાજતાં કહ્યું કે, આજે જ્યારે સૌ કોઇ પહેલાં પોતાની કેરિયર-કારકીર્દીનો વિચાર કરતા હોય છે ત્યારે શિક્ષક સમુદાય સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કરીને શિક્ષા-દિક્ષાથી સુસજ્જ ભાવિ પેઢીના નિર્માણના નોબેલ પ્રોફેશનની ગરિમા વધારે છે.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, વ્યક્તિના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અતિ મહત્ત્વની છે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા જ્ઞાન-સંપન્ન, સંસ્કારવાન નાગરિકોનું નિર્માણ કરે છે. રાષ્ટ્રનું નિર્માણ મહેલો કે ઇમારતો બાંધવાથી નહીં, પરંતુ શાળાના વર્ગખંડમાં અપાતાં માનવતાલક્ષી અને સંસ્કારલક્ષી શિક્ષણથી થાય છે તેમ જણાવી રાજ્યપાલે ઉમેર્યું હતું કે, જો શિક્ષક પ્રમાણિકતાથી પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે પુરુષાર્થ કરે તો બાળકના જીવનમાં સો ટકા પરિવર્તન લાવી શકે છે. શિક્ષકના કાર્ય સાથે જ જ્ઞાન સાધના, સંસ્કાર અને સંસ્કૃતિનો વૈભવ સંકળાયેલા છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ સંદર્ભે રાજ્યપાલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અત્યાધુનિક ટેકનોલોજી સાથે જ્ઞાન સંપન્ન અને કૌશલવાન બને અને મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેનુ ચિંતન નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં કરાયું છે. વિજય રૂપાણીએ ભવિષ્યના ભારતના રોલ મોડેલ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને નૈતિક મૂલ્યો, માનવીય મૂલ્યોના આધારે શિક્ષા દિક્ષા વિકસાવીને રાષ્ટ્રનિર્માણ, વસુધાના કલ્યાણના ગુણો ભાવિ પેઢીમાં કેળવવા શિક્ષકોને પ્રેરણા આપી હતી. વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી શાળાઓ ખાનગી શાળાથી બહેતર બની છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે હવે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશનનનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. મુખ્યમંત્રીએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૪ વર્ષમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, જ્ઞાનકુંજ પ્રોજેકટની સફળતામાં શિક્ષકોના પ્રદાન તેમજ ઓનલાઇન એટેન્ડસ જેવા આયામોથી ડ્રાસ્ટીકચેન્જ શિક્ષણ વ્યવસ્થામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, નવી શિક્ષણ નીતિ જાહેર કરેલી છે ત્યારે એ નીતિનો પ્રથમ અમલ કરવામાં ગુજરાત લીડ લે તે માટે રાજ્યના શિક્ષકોની વિશેષ જવાબદારી છે. મુખ્યમંત્રીએ આ શિક્ષણ નીતિમાં શિક્ષકની સજ્જતાને પણ અહેમિયત આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સમર્થ શિક્ષકોના યોગદાનથી સમર્થ રાષ્ટ્ર-સમર્થ રાજ્ય બનાવવાની આપણી નેમ છે.