અમદાવાદ,તા.૧
રાજયની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે ત્યારે શિક્ષણનું સ્તર ઉંચે લઈ જવા તેમાં જરૂરી સુધારા કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી એહસાન શેખે શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. શિક્ષણના કથળતા સ્તરને સુધારવા યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે.
એહસાન શેખે શિક્ષણ મંત્રીને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાજયની સરકારી મ્યુનિ. હસ્તકની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી વગેરે વિષયોના શિક્ષકોની મોટી ઘટ છે. કાયમી શિક્ષકો વગર આ શાળાઓ ચાલી રહી છે ત્યારે રાજયની તમામ સરકારી- મ્યુનિ. સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ટેટ-ર પાસ ઉમેદવારોની ભરતી વર્તમાન શૈક્ષણિક સત્રથી કરવામાં આવે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત કેટલીક ગુજરાતી, હિન્દી પ્રાથમિક શાળાઓમાં ઈતર માધ્યમના ઉર્દૂ ભાષાના શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. જેના લીધે બાળકો અને શિક્ષકો બન્નેને મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. તેથી જે શિક્ષકોની બદલીઓ તેમના મૂળ માધ્યમ શિવાયની શાળાઓમાં થઈ હોય તેમને તેમની મૂળ માધ્યમની શાળામાં પરત લાવવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત માધયમિક શાળાઓમાં પણ શિક્ષકોની ઘટ છે. ત્યારે આવી તમામ સરકારી મ્યુનિસિપલ સંચાલિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની પૂરતી નિમણૂક કરવામાં આવે. ગુજરાત રાજયના શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવેલા નીયમો શરતોની અવગણના કરી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓના મર્જરનો મનસ્વી અને બદઈરાદાપૂર્વક નિર્ણય લેવામાં આવી રહ્યો છે જેને લીધે શાળાઓમાં હોય આઉટ વધી રહ્યો છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા પ્રાથમિક શાળાઓના મજરની પ્રક્રિયા સદંતર બંધ કરવામાં આવે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા પ વર્ષથી ઉર્દૂ માધ્યમના બોર્ડના વિદ્યાર્થીઓને ઉર્દૂ ભાષામાં પ્રશ્નપત્રો આપવાના બંધ કરવામાં આવ્યા છે જેના લીધે ઉર્દૂ માધ્યમમાં અભ્યાસ કરતા હજારો બાળકોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે રાજય સરકારે જેમ નીટની પરીક્ષામાં પ્રશ્નપત્ર મુદ્દે પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રાખ્યો છે તેવી જ રીતે સમાનતાના ધોરણે ઉર્દૂ માધ્યમના બોર્ડના (એસએસસી/એચએસસી) પ્રશ્નપત્રો પુનઃ ઉર્દૂમાં શરૂ કરવામાં આવે. ગુજરાતના વ્યાપક હિતમાં આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ જરૂરી દિશા નિર્દેશ કરી યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.