મોરબી, તા.૧૬
મોરબીના રણછોડનગરમાં આવેલ શ્રીમતી એસ.પી.આહીર વિદ્યાલયમાં ધોરણ ૧થી ૮માં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જો કે, કોરોના મહામારીને પગલે નબળા પરિવારોની આર્થિક સ્થિતિ સારી ના હોય જેથી કેટલાક વાલીઓ શાળા સંચાલકને મળ્યા હતા અને હાલ તેઓ ફી ભરી શકવા સક્ષમ ના હોય જેથી બાળકનું લિવીંગ સર્ટીફીકેટ કાઢી આપો અને બાદમાં જયારે સગવડ થશે ત્યારે શાળામાં બાળકને ફરી શિક્ષણ આપવા દાખલ કરશે તેમ જણાવતા શાળા સંચાલક પરબતભાઈ આહીર વિચારમાં પડ્યા હતા અને કોરોના મહામારી વચ્ચે વાલીઓની મનોસ્થિતિની ગંભીરતા સમજતા તેઓએ ત્રણ માસની ફી માફી કરવાનો નિર્ણય કર્યો હતો અને શાળાના સ્ટાફ સાથે પરામર્શ કરતા સ્ટાફે પણ ત્રણ માસની ફી માફીમાં સહમતી દર્શાવી સ્ટાફ પગાર નહિં લે અને શિક્ષણ કાર્ય ચાલુ રાખશે તેવી તૈયારી દર્શાવી હતી.
લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોય ત્યારે નવા સત્રમાં શાળાની ફી ભરવાની પરેશાની દરેક વાલીઓમાં જોવા મળતી હતી જો કે, શાળાએ ત્રણ માસની ફી માફી માટે નિર્ણય કરીને વાલીઓને મોટી રાહત આપી છે જે નિર્ણય લઈને આજે શાળાના ટ્રસ્ટી અને સ્ટાફ ઉપરાંત વાલીઓને આ માહિતીથી અવગત કરવા ખાસ બોલાવ્યા હતા જે પ્રસંગે ડીપીઈઓ મયુર પારેખ, ટીપીઈઓ શર્મિલાબેન હુંબલ અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યું હતું કે, શાળા સંચાલકે લીધેલો નિર્ણય આવકારદાયક છે અને અન્ય શાળા સંચાલકો પણ આવી પહેલ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.