(સંવાદદાતા દ્વારા) સુરત તા.૩
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્ર સંદર્ભે નવા નિયમો લાગુ કરતાં પહેલા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનો મત જ ન લેવાતાં ગિન્નાયેલા આ મંડળે અધિક શિક્ષણ સચિવને એક પત્ર પાઠવી આક્રોશ ઠાલવ્યો છે. આ નિર્ણયનો અમલ વર્ષ ૨૦૨૧થી કરવામાં આવે તેવી માગ સાથે નીતિ વિષયક નિર્ણયો લેતા પહેલા ગ્રાન્ટેડ સ્કૂલના મંડળોનું પણ સેન્સ લેવામાં આવે તે પ્રકારની રજૂઆત કરી છે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે લખેલા આ પત્રમાં જણાવ્યું હતું કે, મુંબઇ પ્રાથમિક શિક્ષણ ધારો ૧૯૪૭,મુંબઇ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ૧૯૪૯ તથા ગુજરાત સરકારના સુધારાને જો વંચાણે લઇએ તો, મુંબઇ રાજ્યમાં, રાજ્યની પ્રાથમિક શાળાઓને કાયદેસરતા આપવામાં આવી હતી. વર્ષ ૧૯૪૭ પહેલા ચાલતી પ્રાથમિક શાળાઓ અથાર્ત ધો.૧ થી ૭નું કાયદાકીય સ્ટેટસ ન હતું.
બાદમાં ભારત સરકારે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ફરજીયાત અને મફત શિક્ષણની જોગવાઇ કરતો કાયદો વર્ષ ૨૦૦૯માં પસાર કર્યો અને અમલમાં મુક્યો હતો. ગુજરાત સરકારે ફરજીયાત અને મફત શિક્ષણના કાયદાને ફેબ્રુઆરી ર૦૧૦માં અક્ષરસઃ સ્વીકારીને ગુજરાતમાં તેનો અમલ કર્યો છે.એપ્રિલ ર૦ર૧ના શૈક્ષણિક વર્ષથી આ નિયમનો અમલ કરવામાં આવે. જેથી રાજ્યના શાળા સંચાલકોને આગોતરી વ્યવસ્થા કરવા માટે સમય મળી રહેશે. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને પાઠ્ય પુસ્તકો છાપવામાં અને બજારમાં મુકવામાં રાહત મળે, વાલીઓ અને વિદ્યાર્થીઓ એડવાન્સમાં કરાવેલ પ્રવાસ, કાર્યક્રમોમાં અનુકુળતા રહે અને વહીવટી રીતે પણસરળ બની રહે. આર.ટી.ઇ. હેઠળ નવા પ્રવેશ માટે પણ જિલ્લા કક્ષાએ સરળતા રહે. જો અત્યારે જાહેર કરેલ નિયમો મુજબકરવાનું થાય તો ગરીબ અને અભણ વાલીઓ માટે મુંઝવણ ઉભી થાય તેવું અમારુ સ્પષ્ટપણે માનવું છે.
અફસોસ : ૬૦ વર્ષ પછીયે મુંબઈના વિનિયમો પર આપણે નિર્ભર
મુંબઇ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય વર્ષ ૧૯૬૧ માં અલગ બન્યું હતું. આજે ૬૦ વર્ષે પણ રાજ્યમાં મુંબઇ પ્રાથમિક શિક્ષણ વિનિયમોની જોગવાઇઓને આધઆરે જ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓનું નિયમન થઇ રહ્યું છે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી સુધીર માંકડના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો અને ગુજરાત શિક્ષણ વિનિયમો બનાવવા માટે એક સમિતિનું ગઠન થયું હતું. આ સમિતિએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો અને વિનિયમો બનાવીને રાજ્ય સરકારને આપેલ છે.