આગામી સમયમાં ટયુશન કલાસીસ પણ શરૂ થવાની સંભાવના

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૩
રાજયમાં કોરોનાની ગતિ ધીમી પડતા રાજય સરકારે ધોરણ-૧૦ અને ૧રના વર્ગો શરૂ કર્યા હતા. ત્યાર બાદ હવે રાજયમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગો અને ટયુશન કલાસીસ શરૂ કરવા માટે આગામી સપ્તાહે ફેસલો થવાની શકયતા છે. આ અંગે શિક્ષણમંત્રીએ સંકેત આપ્યા છે. આગામી ર૭મીના રોજ મળનારી કેબિનેટની બેઠકમાં રાજયની માધ્યમિક શાળાઓના ધોરણ ૯ અને ૧૧ના વર્ગો તેમજ ટયુશન કલાસીસ શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવનાર છે. રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ બાબતને સમર્થન આપતા જણાવ્યું હતું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય આગામી કેબિનેટની બેઠકમાં લેવાશે. શિક્ષણપ્રધાને કહ્યું કે ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવા બાબતે ર૭ જાન્યુઆરીએ મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચા થવાની છે. ચર્ચા બાદ શાળાઓ કયારે ખોલવી તે અંગે નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે ધોરણ ૧૦ અને ૧ર માટે શાળાઓ શરૂ થઈ છે. જેમાં પપથી ૬૦ ટકા હાજરી જોવા મળી છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહિત છે. તો બીજી તરફ તેમણે ઉનાળુ વેકેશન પણ ટૂંકુ હશે તેવા સંકેત આપ્યા છે. જયારે ટયુશન કલાસીસના સંચાળકોએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી ત્યારે ધોરણ-૯ અને ૧૧ની સ્કૂલો ખોલવા માટે સંકેત આપ્યા બાદ આગામી સમયમાં શાળાઓ કલાસીસ શર થવાની સંભાવના જોવામાં આવી રહી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની મુલાકાત સકારાત્મક રહી હતી તેવું હોદ્દેદારોએ જણાવ્યું હતું. શાળા શરૂ થયા બાદ કલાસીસ શરૂ થવા બાબતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં સમગ્ર મામલે નિર્ણય જાહેર કરવામાં આવશે. સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લઈ કલાસીસ શરૂ કરી શકાશેનો સંકેત શિક્ષણમંત્રીએ આપ્યો છે.