(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૧૯
પ્રાંતિજ ખાતે સુન્ની વ્હોરા સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનિત કરવાનો શાનદાર પ્રોગ્રામ ગત રાત્રે સુન્ની વ્હોરા જમાતખાના ખાતે યોજાયો હતો.
પ્રાંતિજની વર્ષો જૂની શૈક્ષણિક સંસ્થા સુન્ની મુસ્લિમ વ્હોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજીત આ પ્રોગ્રામમાં ઉપસ્થિત ખિચોખિચ જનમેદનીને સંબોધતા વ્હોરા સમાજના પનોતા પુત્ર અને આફમીના ફાઉન્ડર ડૉ. અ.રહેમાન નાકાદારે વાલીઓને જાગૃતિ પ્રેરતુ તથા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક પ્રવચન કર્યું હતુું.
ડૉ. નાકાદારે જણાવ્યું કે ઓર્ડિનરી અને એકસ્ટ્રા ઓર્ડિનરી અને એકસ્ટ્રા ઓર્ડિનરીમાં ફરક શું છે ? આ બંને શબ્દોમાં એકસ્ટ્રાનો ફરક છે અને આ એકસ્ટ્રા એ છે કે ભણતા ઓર્ડિનરી બાળકો ખંતથી દિલથી વધારે મહેનત કરે તે એકસ્ટ્રા ઓર્ડિનરી બને છે. જે મહેનત સાથે હિંમતથી આગળ વધે તે પોતાના લક્ષને જરૂર પાર કરે છે.
વધુમાં ડૉ. નાકાદાર સાહેબે જણાવ્યું કે ઈલ્મનું મહત્ત્વ આજે છે એવું નથી. હઝરત સુલેમાન અલયહિસ્સલામના સમયમાં પણ ઈલ્મનું મહત્ત્વ હતુ તેનો કિસ્સો ટાંકતા જણાવ્યું કે હ.સુલેમાન (અ.સ.)એ એક વખત અલ્લાહ પાસે દુઆ કરી કે એ અલ્લાહ મને દુન્યાની એવી સલ્તનત આપ જે કોઈ પાસે ન હોય. ત્યારે અલ્લાહ ત્આલાએ હ. જીબ્રાઈલને સુલેમાન અ.સ. પાસે મોકલ્યા. તેમની સાથે ત્રણ ચીજો હતી એક શોહરત, બીજી દોલત અને ત્રીજી હતી ઈલ્મ. તેમાંથી હઝરતને પસંદગી કરવાની હતી. ત્યારે તેઓએ ઈલ્મને પસંદ કર્યું. તેની સાથે તેઓને દોલત અને શોહરત (નામના) મળી હતી. માટે દોસ્તો ઈલ્મનું ઘણું જ મહત્ત્વ છે. અહીં પ્રાતિજ વ્હોરા સમાજના વિદ્યાર્થીઓની ટકાવારી સાથે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત છોકરીઓ તથા મહિલાઓની સંખ્યા જોઈ સમાજના ઉજ્જવળ ભવિષ્યનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ સંસ્થાના આ પ્રોગ્રામના સફળ આયોજન તથા એસ.એમ.વી. સોસાયટીની પ્રગતિના વખાણ કરી સમાજ હજુ વધુને વધુ સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો. અંતમાં પ્રથમ વિશ્વયુદ્ધ વેળા પોલેન્ડના પિયાનો વાદક અને અમેરિકાના અનાથ વિદ્યાર્થીનો કિસ્સો ટાંકી શિક્ષણ માટે કરેલ દાનને માનવતા માટેનું દાન ગણાવ્યું હતું. આ પ્રસંગે અમેરિકા સ્થિત કડીના ઈજનેર અને ટેકનોલોજીના તજજ્ઞ મો.શફી લોખંડવાલાએ જણાવ્યું કે, આ જ સુધી આપણે સમજતા હતા કે હવા, પાણી અને ખોરાક જીવન જીવવા માટે આવશ્યક છે. હવે તેમાં વીજળીનો ઉમેરો કરવામાં આવ્યો છે અને ઔદ્યોગિક વિકાસ સાથે ભણતરનું મહત્ત્વ વિશેષ છે. પ્રાંતિજના સમાજમાં તે પ્રત્યે રૂચિ જોવા મળે છે તે આનંદની વાત છે.
વધુમાં લોખંડવાલાએ જણાવ્યું કે આજે ભણતર મોંઘુ થયું છે ત્યારે ઈ-લર્નિંગનો વિકાસ થયો છે. ઈ-લર્નિંગ વિદ્યાર્થીઓને યોગ્ય વિકલ્પ પૂરો પાડે છે. ઉપરાંત ડીસ્ટન્સ લર્નિંગ ટેલિકોર્સ, ઈ-બુક સહિતની ટેકનોલોજી ઉપર પ્રકાશ પાડ્યો હતો.
જ્યારે ડૉ. નાકાદાર ઈન્સ્ટિટ્યૂટ ઓફ નોલેજના ડૉ. સિદ્દીકભાઈ કડીયાવાલાએ બાળકો તથા વાલાીઓ માટે ઉપયોગી સુચનો કર્યા હતા. તેમજ નંદાસણ ખાતે ડૉ. નાકાદાર ઈન્સ્ટિટ્યૂટમાં જૂનથી ચાલુ થનાર NEET તથા JEEની બેચ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
અંતમાં ડૉ. કડીયાવાલાએ પાંચ સૂત્રો આપી બાળકોને ભણવામાં સફળ થવાની શીખ આપી હતી. પ્રારંભમાં તિલાવતે કુર્આન હાફીઝજી મો. જાકીર ભુરાવાલાએ કરી હતી. જ્યારે સંસ્થાના પ્રમુખ મો. ઉમર મુન્શીએ સંસ્થાની કામગીરીનો ચિતાર રજૂ કરી મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું.
એસ.એમ.વી. સોસાયટીના આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયા સ્થિત પ્રાંતિજના ગૌરવ સમાન ડૉ. હબીબુર્રહેમાન ભુરાવાલા, ઓસ્ટ્રેલિયામાં બેરીસ્ટર તરીકે કામ કરતા પ્રાંતિજના મો.સિદ્દીક પાનવાલા, સેવાભાવી તબીબ ડૉ. મો. અસલમ કારભારી, સુન્ની વ્હોરા જમાત પ્રાંતિજના પ્રમુખ મો. ઉમર ઉદણવાલાની પ્રેરણાત્મક હાજરી હતી.
આ પ્રોગ્રામમાં ધો.૧થી કોલેજ તથા ઉચ્ચ અભ્યાસ તથા સ્પોર્ટસના કુલ રપપ જેટલા પ્રતિભાવાનોને ઈનામો તથા ૩૧ હોનહારોને સિલ્વર મેડલ એનાયત કરાયા હતા. કાર્યક્રમ પૂર્વે મહેમાનોએ સંસ્થા સંચાલિત સંસ્કાર વિદ્યાલયની મુલાકાત લીધી હતી અને શાળાની પ્રગતિથી વાકેફ થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સજ્જાદહુસેન ઉદણવાલા તથા મો.હાશમી મૌલવી (સી.એ.)એ સફળતાપૂર્વક અને રસપ્રદ શૈલીમાં કર્યું હતું. જ્યારે અંતમાં આભારવિધિ મો. શફી લાકડાવાલાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કારોબારી સભ્યો તથા યુવાનો ખડે પગે રહ્યા હતા.