(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.પ
મંદિર મસ્જિદના તો આપણે સહુએ બહુ બનાવ્યા પણ હવે સમાજની પ્રગતિ માટે શિક્ષણ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે, ત્યારે મુસ્લિમ સમાજ પણ આ અંગે આત્મમંથન કરી શિક્ષણનો વ્યાપ વધારવા કમર કસે કેમ કે શિક્ષણ વિના મુસ્લિમ સમાજની ક્યારેય પ્રગતિ નહીં થાય. શિક્ષણ વિના સમાજ દરેક મોર્ચે પછાત જ રહેશે. ભૂતકાળ કરતા હાલમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે ત્યારે મુસ્લિમ સમાજ બીજી બધી બાબતો કરતા શિક્ષણ માટે વધુ ચિંતા કરે તેવું જૂનાગઢના પૂર્વ સાંસદ અને કોડીનારના નેતા દિનુભાઈ સોલંકીએ મજુર કમિટી દ્વારા યોજાયેલા સન્માન સમારોહના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજને પ્રેરક ઉદ્‌બોધન કર્યું હતું.
કોડીનારમાં સુલતાને હિન્દ મજૂર કમિટી ઉના ઝાંપા દ્વારા પાલિકાના ઈતિહાસમાં ઉના ઝાંપા વિસ્તારને પ્રથમ વખત પ્રમુખપદ ફાળવાતા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ફાતમાબેન રફીક જુણેજા, ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી સહિત ચૂંટાયેલા મુસ્લિમ સભ્યોનું સન્માન સમારોહનું આયોજન કરવા જમાતખાનામાં કરવામાં આવ્યું હતું. જેમાં હાજી રફીકભાઈ જુણેજાએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યા બાદ મજુર કમિટી અને ઉના ઝાંપાના અગ્રણીઓ દ્વારા ફુલહારથી સન્માન સમારોહ બાદ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ મુસ્લિમ સમાજને શિક્ષણ ઉપર ભાર આપવા અને શહેરમાં રૂા.પ કરોડના ખર્ચે મુસ્લિમ સમાજના સંચાલિત ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવી કોડીનાર શહેરના લોકોની સુખાકારી માટે કાર્યો કરવા તેમજ જેમની પાસે મકાનો નથી તેમને મકાન આપવાની જવાબદારી સરકારની હોય. શહેરને ઝુપડપટ્ટી મુક્ત શહેર બનાવવા ૧ર૦૦ જેટલા આવાસો તૈયાર થયા છે જ્યારે મુસ્લિમ ઝુપડપટ્ટીમાં પણ આવાસો બનાવવા ગ્રાન્ટ આવી ચૂકી હોય શહેરને ઝુપડપટ્ટી મુક્ત સુંદર શહેર બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો જ્યારે મેમ્બર્સ પ્રમુખ હરીકાકા વિઠલાણીએ પાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજયમાં મુસ્લિમોનો સિંહફાળો હોવાનું કહી ઉના ઝાંપાને ખાસ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે સૈયદ રફીકબાપુ કાદરીએ તમામને દિલી મુબારકબાદી પાઠવી ચૂંટણીમાં મુસ્લિમ સમાજના જઝબાને બીરદાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન મેર સાહેબે કર્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં શહેરના દરેક સમાજના અને મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભાજપ મુસ્લિમ વિરોધી પક્ષ નથી
આજે કોડીનારમાંમજુર કમિટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ મુસ્લિમોને ખાસ સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ મુસ્લિમ વિરોધી પક્ષ નથી. ભાજપ સરકાર હિન્દુ-મુસ્લિમ વચ્ચે ક્યારેય ભેદભાવ રાખી કામો કરતી નથી. કોડીનાર પાલિકામાં ર૮માંથી ર૦ સભ્યો હિન્દુ હોવા છતાં ભાજપ મોવડીમંડળે મુસ્લિમના હાથમાં પાલિકાનું સુકાન સોંપ્યું છે તે સાબિત કરે છે કે ભાજપ ક્યારેય ભેદભાવમાં માનનાર પક્ષ નથી. ગઈટર્મમાં પણ ભાજપે મુસ્લિમ મહિલાને પ્રમુખપદ આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે કોંગ્રેસથી વધુ મુસ્લિમોને ટિકિટ ફાળવી હતી. જેમાં ભાજપના ૯માંથી ૮ મુસ્લિમ સભ્યો ચૂંટાયા હતા. જ્યારે કોંગ્રેસના તમામ ૮ મુસ્લિમ ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો.