અમદાવાદ, તા.૧૩
ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીમાં રજિસ્ટ્રેશન માટેનુ આખુ ફોર્મ ભર્યા પછી સબમિટ માટેનુ ફોર્મ ન ભરનાર ૯૯૬ વિદ્યાર્થી પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવી શક્યા નથી. ગુજરાત યુનિવર્સિટીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું હતું. ત્યારે યુનિવર્સિટીના અધિકારીઓના ધ્યાને આવ્યું કે, ૯૯૬ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કર્યા બાદ ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું ભૂલી ગયા છે. યુનિવર્સિટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, એડમિશન માટેનું ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં તેમની ભૂમિકામાં સ્પષ્ટ ભૂલ હોવાને કારણે આ ૯૯૬ વિદ્યાર્થીઓને, ૩૫૨૦૭ વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સામેલ કરી શકાતા નથી. તદુપરાંત, ૩૧૧ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, કે જેઓએ સંપૂર્ણ ડોકયુમેન્ટ અપલોડ કર્યા નથી. તેઓએ પણ શનિવારે જાહેર કરાયેલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું ન હતું. જો કે, તેમના ફોર્મ્સ બાકી રહેલ પ્રવેશ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે અને એકવાર તેઓ જરૂરી દસ્તાવેજો પૂરા પાડશે, ત્યારે તેમના નામ લિસ્ટમાં શામેલ કરવામાં આવશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની ઘોષણા કર્યા પછી યુનિવર્સિટીએ જેમનું નામ લિસ્ટમાં નથી તેવા વિદ્યાર્થીઓને યોગ્ય રજૂઆત માટે બે દિવસનો સમય આપ્યો છે. છેલ્લા બે દિવસમાં એડમિશન કમિટીને ફરિયાદો મળી હતી અને લગભગ એક હજાર વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ એડમિશન ફોર્મ ભર્યા પછી ‘સબમિટ’ બટન દબાવવાનું ભૂલી ગયા છે.