(એજન્સી) ભોપાલ, તા.ર૯
મધ્યપ્રદેશમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ પ્રચારમાં કાર્યરત છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રદેશમાં જન આશીર્વાદ યાત્રા લઈને ફરી રહ્યા છે. સરકારે પ્રદેશની સડકોને શ્રેષ્ઠ બતાવી હતી ત્યારે ભાજપના પ્રચારવાળું વાહન સડક પર પડેલા ખાડામાં ફસાઈ જતાં તેને બહાર કાઢવા કાર્યકર્તાઓ ધક્કા લગાવી રહ્યા હતા. તે તસવીર વાયરલ થતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે, શિવરાજસિંહનો ૧૪ વર્ષનો વિકાસ ખાડામાં ફસાઈ ગયો. સ્વર્ણિમ મધ્યપ્રદેશની અમેરિકા કરતાં પણ સારી સડકો પર ખાડામાં શિવરાજસિંહનું વાહન ફસાઈ જતાં ૧૪ વર્ષના વિકાસને ધક્કો લાગ્યો. શિવરાજે એક સમયે મધ્યપ્રદેશની સડકોને અમેરિકાથી સારી બતાવી હતી. કોંગ્રેસ નેતા કમલનાથે પણ શિવરાજની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, શિવરાજ મધ્યપ્રદેશની સડકોની મહારાષ્ટ્ર-ગુજરાત સાથે તુલના કરે તો વ્યાજબી છે. પરંતુ અમેરિકાની સડકો સાથે તુલના કરે તે હાસ્યાસ્પદ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ૧પ વર્ષથી સત્તાની બહાર છે. આ વખતે કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. સિંધિયા, કમલનાથ, દિગ્વિજયસિંગ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ભાજપે પુનઃએકવાર શિવરાજને દાવ પર લગાવવા છે.