(એજન્સી) મુંબઈ, તા.૫
મુંબઈને પાકિસ્તાન હેઠળના કાશ્મીર તરીકે ઓળખાવવા બદલ ટીકાઓનો સામનો કરી રહેલી હિન્દી ફિલ્મોની અભિનેત્રી કંગના રણૌતને શિવસેનાથી જોખમ હોવાનું જણાવી હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે કંગનાને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. વીજે જણાવ્યું હતું કે, કંગનાને પોલીસની સુરક્ષા મળવી જોઈએ. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખુલાસો કરવા તેને સ્વતંત્રતા મળવી જોઈએ. આ અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્નિ અમૃતાએ કંગનાની તરફેણ કરતાં વાણી સ્વતંત્રતાની આઝાદી હોવાનું જણાવ્યું હતું.
આ અગાઉ શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ શ્રણિકે જણાવ્યું હતું કે, રણૌત સામે રાજદ્રોહની કલમ હેઠવ કાર્યવાહી થવી જોઈએ. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પણે પાર્ટીની મહિલા પાંખને જણાવ્યું હતું કે, જો કંગના નવમીએ મુંબઈ આવે તો તેને તમાચા મારવામાં આવે. બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખ રેખા શર્માએ શ્રણિકની ધરપડની માંગ કરી હતી. અત્રે ઉલ્લેનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ તેમજ રણૌતના ટેકેદારો સુશાંત સિંહ રાજપૂત અપ-મૃત્યુ કેસમાં સતત મહારાષ્ટ્રની કોંગ્રેસ-શિવસેના-એનસીપી નેતૃત્વવાળી સરકારની ટીકા કરતા આવ્યા છે. આ મામલે તેઓ મુંબઈ પોલીસની પણ ટીકા કરે છે. સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું હતું કે, અમે કંગનાને વિનંતી કરીએ છે કે, તે મુંબઈ ન આવે. તેમનું નિવેદન મુંબઈ પોલીસની બદનક્ષી કરનારૂ છે. રાજ્યના ગૃહમંત્રીએ આ મામલે પગલાં ભરવા જોઈએ. અગાઉ કંગનાએ જણાવ્યું હતું કે, શિવસેના મને ખુલ્લી ધમકી આપે છે, કેમ મુંબઈ પાકિસ્તાન હેઠળના કાશ્મીર જેવું લાગે છે. જો કે આ વિવાદ બાદ રાજકીય ચર્ચા પણ તેજ બની છે.