મુંબઈ, તા.૨૪
બિહારના લોકોને ભાજપે ચૂંટણી જીતે તો કોરોનાની રસી મફત આપવાની લાલચ આપી છે. જેના પર વિવાદ વકરી રહ્યો છે. ભાજપના એક સમયના સાથીદાર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપના આ વાયદા પર નિશાન સાધ્યુ છે.સામનાના લેખમાં કહેવાયુ છે કે, ભાજપનો અસલી ઈરાદો શું છે, બે દિવસ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોનાની રસી આવતાની સાથે જ દેશના તમામ લોકોને રસી પહોંચાડવા માટે સરકાર પ્રયાસ કરશે અને એ પછી ભાજપ બિહારના લોકોને મફત રસી આપવાનું વચન આપે છે. તો શું બીજા રાજ્યો પાકિસ્તાનમાં છે, આ રાજ્યોના લોકોને રસી આપવા માટે રશિયાથી પુતિન આવવાના છે. શિવસેનાએ બિહારમાં ચૂંટણી પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાઈ ગયું છે તે વાત પર ટોણો મારતા કહ્યું હતું કે, રાજકીય સભાઓમાં જે રીતે ભીડ ઉમટી રહી છે તે જોતા એમ લાગે છે કે, કોરોના દબાઈને મરી જશે.ભાજપે લોકોના મનમાં કોરોનાનો ડર વધારીને મફત રસી મુકવાનું વચન આપવાનો ઉદ્યોગ શરૂ કર્યો છે. શિવસેનાનું કહેવુ છે કે, સત્તા મેળવવા માટે નૈતકતાનો દાવો કરતી પાર્ટી કેટલી હદે નીચે જઈ શકે છે તેની ખબર પડી ગઈ છે. મફતમાં રસી માત્ર બિહારને કેમ, આખા દેશને કેમ નહીં, આખા દેશમાં કોરોનાનું તાંડવ છે ત્યારે કોરોનાના નામે ચૂંટણીના મત મેળવવાનું રાજકારણ દુઃખદ છે. બિહારની ચૂંટણીમાં વિકાસ ગૂમ છે. જો કોરોનાની રસી શોધાઈ તો તેનો સૌથી પહેલો લાભ ભાજપ માટે બિહાર ચૂંટણીમાં મતદાન કરનારાને મળશે પણ જો ભાજપ સત્તા પર ના આવી તો ભાજપ બિહારના લોકોને મફત રસી નહીં આપે, ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર નથી તો ત્યાંના લોકોનું શું ? રસી શોધાયા બાદ વિરોધી પાર્ટીના નેતાને કોરોના થયો તો કદાચ ભાજપ એવુ કહેશે કે પહેલા પાર્ટી બદલો પછી તમને રસી મળશે.