(એજન્સી) મુંબઈ, તા.ર૧
શિવસેનાએ વિદેશી ધરતી પર દેશના આંતરિક પ્રશ્નો ઉઠાવવા બદલ વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી. શિવસેનાએ કહ્યું કે મોદી ભાગેડુ કારોબારી વિજય માલ્યાને શરણ આપનાર બ્રિટનથી ખાલી હાથે પાછા ફર્યા. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, કોઈને કોંગ્રેસ કે ગાંધી પરિવાર નાપસંદ હોઈ શકે પરંતુ વિદેશી ધરતી પર દેશના મુદ્દાઓ અંગે બોલવાથી ફાયદો નહીં થાય. શિવસેનાએ કહ્યું કે મોદીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની સલાહ માનવી જોઈએ કે બોલતા રહેવું જોઈએ ? ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ મુદ્દે વડાપ્રધાન મોદી દ્વારા કોઈપણ નિવેદન ન કરવા બદલ પૂર્વ વડાપ્રધાને ટીકા કરી હતી. તેમણે મોદીને ફકત સમય પર બોલવાની સલાહ આપી છે. વડાપ્રધાન મોદી દ્વારા અગાઉ મનમોહનસિંહને બોલવાની આપેલી સલાહ હવે મોદીને પણ લાગુ પડે છે. મોદી સમર્થકો જે હવામાં ઉડે છે. તેમના સિવાય સમગ્ર દેશ આવો અનુભવ કરે છે. મોદી ભારતમાં મૌની બાબા બની ગયા છે જ્યારે વિદેશોમાં બોલે છે. વેસ્ટ મિન્સ્ટર હોલમાં મોદીએ લોકો સાથે વાતચીતનો કાર્યક્રમ યોજ્યો હતો.