(એજન્સી) મુંબઇ તા. ૨૯
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની મુખ્યપ્રધાન તરીકે તાજપોશી પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સત્તાવારરીતે પોતાના ગઠબંધનના નામની જાહેરાત કરી હતી અને કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમસી)ની જાહેરાત કરવામાં આવી હતી. કોમન મિનિમમ પ્રોગ્રામમાં બેરોજગારી, ખેડૂતો, મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્રણેય દળોના ગઠબંધનને મહા વિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું છે. આ કોમન મિનિમમ પ્રોગ્રામની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, આ ગઠબંધન બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલા ધર્મનિરપેક્ષ મુલ્યોને લઇને કટિબદ્ધ છે. આ ઉપરાંત આમા ખેડૂતોને લઇને અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે.
શિવસેના નેતા એકનાથ ખડસેએ કહ્યું હતું કે, આ કોમન પ્રોગ્રામ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપીના વડા શરદ પવાર અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના હસ્તાક્ષર રહેલા છે. મહા વિકાસ અઘાડીની પત્રકાર પરિષદમાં ખડસેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રની પ્રજાની શંકાઓ હવે દૂર થઇ ચુકી છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ત્રણેય પક્ષો સરકાર બનાવવા માટે રાજી થઇ ગયા છે. તેમણે કહ્યું હતું કે, શિવાજી પાર્કમાં શિવાજી મહારાજ અને શિવસેનાના સ્થાપક બાલા સાહેબ ઠાકરેને સાક્ષી માનીને શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. શિવાજી પાર્કમાં જ બાલ ઠાકરેનું સ્મારક છે. કોમન મિનિમમ પ્રોગ્રામમાં મહા વિકાસ અઘાડી દ્વારા અનેક મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા છે. ખેડૂતો માટે વિવિધ ખાતરીઓ આપવામાં આવી છે જેમાં ખેડૂતોના દેવાને માફ કરવાની વાત કરવામાં આવી છે જ્યારે પુર અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી તકલીફોને તરત દૂર કરવામાં આવશે. પાક વિમા યોજનામાં ફેરફાર કરીને મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતોને તરત જ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળે તે માટે તરત પગલા લેવામાં આવશે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના પુરવઠાને યોગ્યરીતે ચલાવવા માટે વોટર સપ્લાય સિસ્ટમને મજબૂત કરવામાં આવશે. બેરોજગારીને લઇને આમા કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારમાં ખાલી પડેલી જગ્યાઓને તરત ભરવામાં આવશે. ભણેલા બેરોજગાર યુવાનો માટે ફેલોશીપની જાહેરાત કરવામાં આવી છે. નોકરીમાં સ્થાનિક યુવકો માટે ૮૦ ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ માટે પણ શ્રેણીબદ્ધ પગલાની વાત કરવામાં આવી છે.