(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
સરકારના દાવા ઉપર કોઈ વિશ્વાસ નહિ મૂકશે કે ખેડૂતોના આંદોલનમાં ખાલિસ્તાની સમર્થકો ઘૂસી ગયા છે. આ પ્રકારના આક્ષેપો પહેલા એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ પણ સુપ્રીમ કોર્ટમાં ૧૨મી જાન્યુઆરીએ મૂકી ચૂક્યા છે અને આ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ આ જ પ્રકારની વાત મીડિયા સમક્ષ કહી ચૂક્યા છે. પણ સરકારના આ આક્ષેપો ખેડૂતો અને એમના નેતાઓ તર્કહીન અને નિરર્થક ગણાવી રહ્યા છે. મેરઠથી આવેલ એક ખેડૂતે કહ્યું કે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવી સરકાર ખેડૂતોના આંદોલનને બદનામ કરી રહી છે જેથી અંદોલન નબળું થાય. આ બધું ખોટું છે. સરકાર કોમવાદ ફેલાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. પણ ખેડૂતો સમજે છે ખેડૂતો હવે ભણેલ છે તેઓ બધી બાબતો માટે જાગૃત છે. વિરોધ કરનાર ખેડૂતોમાં કોઈ ખાલિસ્તાની નથી. મથુરામાંથી આવેલ ૭૦ વર્ષીય ખેડૂત કિશનસિંઘે સરકારના દાવાને અર્થહીન ગણાવ્યો. એમણે કહ્યું સરકાર કોમી મુદ્દાઓ ઊભા કરી હિંદુ-શીખો વચ્ચે ભાગલા પાડવા માંગે છે જેથી અંદોલન નબળું થાય. પણ ભાજપની આ જૂની ચાલ છે. સરકાર પોતાના વિરોધીઓને પાકિસ્તાની, ખાલિસ્તાની, માઓવાદી, અર્બન નક્સલ જણાવે છે. ખેડૂત એ ખેડૂત છે પછી એ ભલે ગમે તે ધર્મનો હોય. એમણે કહ્યું કે મોદી આ જ રીતે હિંદુઓ અને મુસ્લિમોમાં ભાગલા પડાવી ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ જીત્યા છે. યુપીના સહારનપુરથી આવેલ ખેડૂત શેરસિંઘે કહ્યું કે જો આંદોલનમાં ખાલિસ્તાનીઓ ભળી ગયા છે, જે રીતે સરકાર કહી રહી છે, તો સરકાર એમને ઓળખીને જેલમાં ધકેલી દે. સરકાર શા માટે ચૂપ છે. ઘણા સમયથી એ કહી રહી છે એ ખાલિસ્તાનીઓની હાજરી છે તો શા માટે પગલા લેતી નથી. સરકારની આ બધી ખોટી વાતો છે.
Recent Comments