(એજન્સી)               તા.૨૬

કોરોના મહામારી વચ્ચે લોકો બધુ જ ભૂલાવીને એકબીજાની મદદ કરે છે. એવામાં તમામ લોકો કોઈ પણ વ્યક્તિના ધર્મ, જાતિ પર ધ્યાન નથી આપી રહ્યાં અને બસ એકબીજાની મદદ કરવા માટે હાથ આગળ વધારી રહ્યાં છે.

આવી જ એકતાનું એક ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે અમૃતસરના મુસ્લિમોએ સુવર્ણ મંદિરમાં સામુદાયિક રસોડા ગુરુ રામદાસ લંગર માટે ૩૩૦ ક્વિન્ટલ ઘઉંનું દાન કર્યુ હતું. જેના પર સુવર્ણ મંદિરમાં આ મુસ્લિમોનું શીખોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ખરેખર માલેરકોટલા પંજાબનું એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતું વિસ્તાર છે. જેમના સંબંધ શીખો સાથે મજબૂત છે. ૧૯૪૭માં વિભાજન વખતે જ્યારે પંજાબ સળગી રહ્યું હતું ત્યારે તેની ચિંગારી માલેરકોટલા સુધી પહોંચી નહોતી. અહીંથી શીખ મુસ્લિમ એફિનટી સંગઠનના અધ્યક્ષ ડૉક્ટર નસીર અખ્તર કહે છે કે સુવર્ણ મંદિરમાં ચાલતાં લંગરમાં દરરોજ એક લાખથી વધુ લોકો ભોજન કરે છે. ડૉક્ટર નસીર અખ્તરે કહ્યું કે એક લાખ લોકોને ખવડાવતા લંગર માટે ૩૩૦ ક્વિન્ટલ ઘઉં ખૂબ જ ઓછા છે. લંગર ચલાવવામાં તકલીફ ના પડે એટલા માટે અનાજ  એકઠું કરાયું ર્છે

સંગઠન સાથે સંકળાયેલા મોહમ્મદ પરવેઝ કહે છે કે માલેરકોટલાના મુસ્લિમોએ મન મૂકીને ઘઉં અને અનાજ દાન કર્યુ અને ૨૨ દિવસમાં ૩૩૦ ક્વિન્ટલ ઘઉં એકઠું થયા. ઘઉંના ટ્રકોને દુબઈમાં રહેતા કારોબારી સુરિન્દર પાલ સિંહ ઓબરોય અને તખ્તા પટના સાહિબના જથ્થેદાર રણજીત સિંહે રવાના કર્યા હતા. આ મામલે નાસિર કહે છે કે જ્યારે મુસ્લિમો ટ્રક લઈને સુવર્ણ મંદિર પહોંચ્યા તો ત્યાં જોવા જેવું દૃશ્ય હતું. તેઓની આંખો ભીની થઈ ગઇ હતી. લોકોએ અમારૂં ભવ્ય સ્વાગત કર્યુ. લંગર પણ ખવડાવ્યું. આખરે જ્યારે વિદાયનો સમય થયો તો તેમણે સુવર્ણ મંદિરનું ચિહ્ન પણ અમને ભેટ તરીકે આપ્યું હતું.

આ અનાજ મુસ્લિમ સંયુક્ત ફ્રન્ટ પંજાબના વડા ડૉ.નાસીર અખ્તરની આગેવાનીમાં ત્યાં પહોંચ્યા હતા. ઘઉં ભેંટમાં આપનારા લોકોને દરબાર સાહિબના મેનેજર મુખતાર સિંહ તથા એડિશનલ મેનેજર રજિન્દર સિંહ રુબીએ પણ સન્માનિત કર્યા હતા.