(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતું કે, રાજનીતિમાં જુઠ્ઠાણાં લાંબા સમય સુધી નથી ટકતાં. દીક્ષિતે કહ્યું કે, હવે લોકો કોંગ્રેસને યાદ કરવા માંડ્યા છે. કોંગ્રેસ કહેતી હતી તે કરતી હતી અથવા કર્યા બાદ કહેતી હતી. એવું નહીં કે માત્ર એ વિષે કહેતી જ હતી. રાજનીતિમાં ઉંચ-નીચ ચોક્કસપણે હોય છે પરંતુ મારું માનવું છે કે, રાજનીતિમાં અસત્ય લાંબા સમય સુધી નથી ચાલતું. શીલા દીક્ષિતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તે ઘણા સારા વકતા છે પરંતુ તેમનું કોઈ કામ દેખાતું નથી તે જે વિકાસની વાતો કરી રહ્યા છે તે દેખાતું નથી. બુલેટ ટ્રેન, જીએસટી, નોટબંધીથી આખરે શું પ્રાપ્ત થયું ? જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું રાહુલ ગાંધી એટલા પરિપકવ થઈ ગયા છે કે વડાપ્રધાન મોદીનો સામનો કરી શકે ? ત્યારે તેમણે હકારાત્મક ઉત્તર આપતા કહ્યું કે, આપણે એ સમજવાની જરૂર છે કે પરિપકવતા કોઈ એવી વસ્તુ નથી કે દરવાજો ખોલ્યો કે આવી ગઈ. તે અનુભવનો વિષય છે. તેઓ રોજરોજના પોતાના અનુભવોમાંથી શીખી રહ્યા છે.