(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાની ખાણ સાઇટ અને ક્રેશર મિલમાં મજૂરીને બદલે છોકરીઓના જાતિય શોષણના અહેવાલો અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકારો સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, અનિયોજિત લોકડાઉનમાં ભૂખથી મરતો પરિવાર, આ બાળકીઓએ જીવિત રહેવાની આ ભયાનક કિંમત ચૂકવી છે. શું આ આપણા સપનાઓનું ભારત છે? ઉલ્લેખનીય છે કે, ભરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથ્થરની ખાણોમાં કામ કરતા કેટલાક પરિવારોને ટાંકતા મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે, તેમને મજૂરીને બદલે કિશોરીઓ અને મહિલાઓ સાથે જાતિય શોષણ કરવા કહેવાય છે. ખાણમાં ૧૦ વર્ષની કિશોરીથી લઇને ૧૮ વર્ષ સુધીની યુવતીઓને જ કામે લવાય છે અને પર્વતોની નીચે તેમની સાથે બળજબરી કરાય છે. વિરોધ કરનારી યુવતીઓ સાથે મારપીટ કરવામાં આવે છે. જો વૃદ્ધ મહિલા અહીં કામ માગવા જાય તો તેને સ્પષ્ટ ઇન્કાર કરી દેવાય છે. પેટની ભૂખને કારણે યુવતીઓએ મજબૂરીથી ખાણમાં કામ કરવા જવું પડે છે. તેમના સુધી સરકારની કોઇ યોજના પહોંચી રહી નથી જેનો લાભ ખાણીયાઓ ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટ સાથે એવા મીડિયા અહેવાલને પણ ટાંક્યો હતો જેમાં કહેવાયું છે કે, કોરોના વાયરસની કટોકટી દરમિયાન ચિત્રકૂટની ખાણોમાં નાની છોકરીઓ સાથે જાતિય શોષણની ઘટનાઓ સામે આવી છે. કોંગ્રેસના નેતાએ ટિ્‌વટમાં કહ્યું કે, અનિયોજિત લોકડાઉનમાં ભૂખે મરતો પરિવાર, જીવવા માટે આ છોકરીઓએ ભયાનક કિંમત ચૂકવી છે.