(એજન્સી) તા.૨૩
પ્રશાંત કનોજિયા આજે જેલમાંથી મુક્ત થશે. કનોજીઆએ ૧૮,ઓગસ્ટમાં થયેલી પોતાની ધરપકડ બાદ ઉ.પ્ર.ની જેલમાં બે મહિના કરતાં વધુ સમય પસાર કર્યો છે. હિંદુ આર્મી નામના સંગઠનના એક સભ્ય દ્વારા કરવામાં આવેલ સોશિયલ મીડિયા પોસ્ટનું મોર્ફિંગ કરીને તેને ટ્‌વીટ કરવા બદલ લખનૌમાં તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
પ્રશાંત કનોજિયાની મુક્તિ માટે ઝુંબેશ ચલાવનાર તેમની પત્ની જાગીશા અરોરાએ એવું જાહેર કર્યુ હતું કે પ્રશાંત કનોજિયાને જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. જાગીશા પ્રશાંત માટે મજબૂત ટેકેદાર તરીકે રહી હતી. આમ પ્રશાંત કનોજિયાની ધરપકડ રિપોર્ટીંગ કે પોતાનો અભિપ્રાય આપવા બદલ થઇ ન હતી પરંતુ હિંદુ આર્મી નામના સંગઠનના સભ્ય દ્વારા કરવામાં આવેલ મોર્ફ્ડ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરવા બદલ તેમને જેલમાં ધકેલી દેવાયા હતા.
બુધવારે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે આ ફ્રીલાંસ પત્રકારના જામીન ગ્રાહ્ય રાખ્યાં હતાં. કનોજિયા સામે આઇપીસીની વિવિધ કલમો ઉપરાંત આઇટી એક્ટની કલમો લગાવીને આરોપ મૂકવામાં આવ્યાં હતાં. તેમની ધરપકડ વખતે પોલીસકર્મીઓએ એવું જણાવ્યું હતું કે તેમને આ માટે ઉપરથી આદેશ મળ્યાં છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર પ્રશાંત કનોજિયા સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક વિધાનો કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. બદનક્ષીના આરોપસર એફઆઇઆર દાખલ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ટ્‌વીટ સાંખી લઇ શકાય નહીં એવો સંદેશ મોકલવા માટે પ્રશાંત કનોજિયાની ધરપકડ જરૂરી હતી એવું એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમસિંહ બેનરજીએ કરેલી રજૂઆત સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી. આમ હવે પ્રશ્ન એ છે કે શું ઉ.પ્ર. પોલીસ પ્રશાંત કનોજિયાને એકલો છોડી દેશે ?