(એજન્સી) તા.૨પ
કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ બાદ ખેડૂતોને ૨૬, જાન્યુ.ના રોજ ટ્રેક્ટર રેલી યોજવા મંજૂરી મળી છે. દરમિયાન શુક્રવારે રાત્રે ઝડપાયેલ એક મોહરાધારી શખ્સે એવો દાવો કર્યો છે કે એ દિવસે ખેડૂતોના ધરણા દેખાવ સ્થળે હિંસા ભડકાવવાની એક સાઝીશ છે. શુક્રવારે મોડી રાત્રે એક પત્રકાર પરિષદમાં આ શખ્સે એવો દાવો કર્યો હતો કે તેને અને તેની સાથે અન્યોને પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર પરેડ દરમિયાન આંદોલનકારી ખેડૂતો પર ફાયરીંગ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યોે હતો કે એક પોલીસકર્મીએ આ માટે તેને તાલીમ પણ આપી હતી. પાછળથી એક બીજા વિડિયોમાં મહોરાધારી શખ્સે એવું જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા તેને આ બધી વાતો પ્રેસ કોન્ફરન્સમાં કહેવા ફરજ પાડવામાં આવી હતી. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોએ તેને ધમકી પણ આપી હતી. હરિયાણા પોલીસની તપાસ આ બાબતમાં ચાલી રહી છે. આ શખ્સે એવું પણ જણાવ્યું હતું કે તેના લગભગ ૫૦થી ૬૦ જેટલા સાથી છે જેમાંથી ૧૦ સાથી રાઠધના ગામના છે. એમાંથી કેટલાક યુવાનો કિસાનોમાં ભળી જઇને ફાયરીંગ કરશે કે જેથી હંગામો થઇ શકે. હવે આરોપી યુવકનો એવો પણ વિડિયો વાઇરલ થઇ ગયો છે જેમાં તેણે પોલીસ સમક્ષ એવું જણાવ્યું છે કે તેને ખેડૂતોએ મારપીટ કરીને પ્રેસ સમક્ષ જૂઠું બોલવા માટે ફરજ પાડી હતી. પોલીસ હવે આ બાબતમાં આગળ તપાસ કરી રહી છે.